દક્ષિણ ગુજરાત અને સુરત શહેર-જિલ્લા માટે પીવાના અને સિંચાઈના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ઉકાઈ જળાશયમાં ચોમાસાની સિઝનનું સૌથી મોટું પૂર આવી રહ્યું છે. તાપી નદીના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં પડી રહેલા અવિરત અને ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વિરાટ ઉછાળો નોંધાયો છે.
ઉકાઈ ડેમમાં 2.51 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક
સત્તાવાર જળસંપત્તિ વિભાગના આંકડા અનુસાર, હાલમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી 2,51,821 (2.51 લાખથી વધુ) ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે. પાણીની આટલી મોટી આવકના કારણે ડેમની સપાટીમાં કલાકના ધોરણે ઝડપી વધારો થઈ રહ્યો છે અને વર્તમાન સપાટી 330.31 ફૂટ પર પહોંચી ગઈ છે.ઓગસ્ટ માસના નિયમો સંતોષવા માટે સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર તેમજ ફ્લડ સેલ દ્વારા ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટી ૩૩૫ ફૂટ નક્કી કરવામાં આવી છે. હાલની 330.31 ફૂટની સપાટી જોતાં ડેમ તેની રૂલ લેવલ સપાટીથી માત્ર 5 ફૂટ જ દૂર રહ્યો છે.
