ગિર સોમનાથ જિલ્લાના મુખ્ય વેપારી મથક એવા ઉના શહેરમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યચીજો મળી રહે તેમજ અશુદ્ધ કે ભેળસેળયુક્ત ઘી અને મસાલાઓનું વેચાણ અટકે તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અચાનક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉના શહેરની ધમધમતી મેન બજારમાં ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે અચાનક કાફલા સાથે પ્રવેશ કરીને ઘીના જથ્થાબંધ વેપારીઓ અને કરિયાણાના મોટા સ્ટોર્સમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું હતું.

ઉનામાં ફૂડ વિભાગના દરોડા

ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાકે દુકાનોના શટર અડધા ઢાળી દીધા હોવાના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન અધિકારીઓને ગુણવત્તા અંગે શંકા જતાં ઘી સહિત વિવિધ ખાદ્યપદાર્થોના 5 જેટલા શંકાસ્પદ સેમ્પલો વિધિવત રીતે જપ્ત કરવામાં આવ્યા છે.

સેમ્પલને સીલ કરી ટેસ્ટિંગ માટે મોકલાયા

આ તમામ સેમ્પલને સીલ કરીને પૃથક્કરણ અર્થે સરકારી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી અધિકારીઓના જણાવ્યા મુજબ, લેબોરેટરીમાંથી એનાલિસિસ રિપોર્ટ આવ્યા બાદ જો ખાદ્યપદાર્થો સબ-સ્ટાન્ડર્ડ કે મિલાવટવાળા જણાશે તો સંબંધિત વેપારીઓ અને ઉત્પાદકો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી અને દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: GTU ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. વૈભવ ડી. ભટ્ટની નિમણૂક, ડૉ. રાજુલ ગજ્જરની ટર્મ પૂર્ણ