ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં વન્યપ્રાણીઓના રહેણાંક અને સીમ વિસ્તારમાં આંટાફેરા વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉના તાલુકાના નાદણ ગામે પરિવાર સાથે વાડીમાં રમી રહેલા 9 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક ત્રાટકેલા દીપડાએ હુમલો કરી તેને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનોએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના હિંમતભેર દીપડાનો પીછો કરતાં આખરે દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને સીમ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પરિવારજનોની સાહસિકતાથી બાળકનો ચમત્કારિક બચાવ
ઘટનાની વિગતો અનુસાર નાદણ ગામની સીમમાં આવેલી વાડીમાં 9 વર્ષનો બાળક પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત હતો અને ત્યાં રમી રહ્યો હતો.દરમિયાન ઝાડી-ઝાંખરામાંથી અચાનક ધસી આવેલા શિકારી દીપડાએ બાળક પર હુમલો કરી તેને પોતાના જડબામાં પકડી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો.બાળકના આક્રંદ અને અવાજ સાંભળી આસપાસ રહેલા પરિવારજનો દોડી આવ્યા હતા અને લાકડીઓ તથા બૂમાબૂમ કરી દીપડા પાછળ દોટ મૂકી હતી.લોકોનો ભારે ઘેરાવ અને અવાજ જોઈ દીપડો ગભરાઈને બાળકને પડતો મૂકી અંધારામાં અને સીમ તરફ નાસી ગયો હતો.દીપડાના નહોર અને દાંત વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા બાળકને પરિવારે તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે, જ્યાં તેની તબીબી સારવાર ચાલી રહી છે.
