ગુજરાતના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા નજીક કાળા કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. મહેસાણા એસ.ઓ.જી. ની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ઊંઝાના દાસજ ગામની સીમમાં સપાટો બોલાવ્યો છે.
‘રિયા ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં દરોડો
પોલીસે દાસજ ગામની સીમમાં આવેલી ‘રિયા ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં પોલીસે ઓચિંતો દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવું ભેળસેળયુક્ત અને અખાદ્ય જીરુ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
અખાધ્ય જીરુને બજારમાં અસલી તરીકે વેચવાનું નેટવર્ક
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફેક્ટરીમાં નકલી અને અખાદ્ય જીરુ તૈયાર કરીને તેને બજારમાં અસલી તરીકે વેચવાનું નેટવર્ક ચાલતું હતું. SOGની ટીમે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને ભેળસેળયુક્ત જીરાનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી કુલ છ લાખ છોતેર હજાર વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
પોલીસે ફેક્ટરીમાંથી એક શખ્સની ધરપકડ કરી
આ ગેરકાયદેસર અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કાળા કારોબાર મામલે પોલીસે ફેક્ટરીમાંથી એક શખ્સની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીની આ નકલી જીરાના વેપાર અંગે કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકોની તંદુરસ્તીને નુકસાન પહોંચાડતા આ કેમિકલયુક્ત કે અખાદ્ય જીરાના સેમ્પલ લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ આગળની તપાસ માટે જાણ કરવામાં આવી છે. આ દરોડાના પગલે ઊંઝા અને આસપાસના મસાલાના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં