ઉપલેટા તાલુકામાં આવેલા ભાયાવદર નજીકના પડવલા ગામે આજે એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજા સોહીલ અયુબ નોયડા વચ્ચે કોઈ જૂની કે અગમ્ય બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.

પડવલા ગામે ભત્રીજાએ કાકાની હત્યા કરી

જોકે, જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આવેશમાં આવેલા ભત્રીજા સોહીલ અયુબ નોયડાએ પોતાની પાસે રહેલું ધારદાર તીક્ષ્ણ હથિયાર કાઢી કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે અદ્રેમાન નોયડા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવને પગલે બસ સ્ટેન્ડ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અદ્રેમાન નોયડાને ત્વરિત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેમણે દમ તોડી દીધો

હત્યાના બનાવની જાણ થતાં જ ભાયાવદર પોલીસ મથકનો કાફલો તાબડતોબ પડવલા ગામે દોડી ગયો હતો અને સ્થળ પર શાંતિ જાળવવા બંદોબસ્ત ગોઠવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફોરેન્સિક/પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ભાયાવદર પોલીસે કૌટુંબિક ભત્રીજા સોહીલ અયુબ નોયડા સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Jamnagar: કાલાવડમાં ભેળસેળયુક્ત નકલી દૂધ બનાવતી 6 ડેરીઓ ઝડપાઈ, 7150 લીટર દૂધ નાશ કરાયું