વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને ભગવાન વિશ્વકર્મા પૂજનના પવિત્ર અવસરે તેમની જન્મભૂમિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી એક માસ સુધી ચાલનારી ‘સેવા યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પીએમ મોદીના દીર્ઘાયુની કામના સાથે તેમના જાહેર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જન્મભૂમિથી કર્મભૂમિ સુધી યોજાનારી આ યાત્રા અંતર્ગત આગામી એક મહિના સુધી ગરીબ, કિસાન અને યુવા કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા

અમિત શાહે પીએમ મોદીના 25 વર્ષના જાહેર જીવનની પ્રશંસા કરતા કહ્યું હતું કે,દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી સીએમ અને પીએમ તરીકે સતત 25 વર્ષ સુધી સત્તામાં રહેનારા તેઓ દેશના એકમાત્ર નેતા છે.જેમણે પોતાના આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમિયાન એક પણ દિવસની રજા લીધા વગર દેશસેવામાં જીવન વિતાવ્યું છે. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે,25 વર્ષના આ જાહેર જીવનમાં વિપક્ષ પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કે દાગ લગાવી શક્યો નથી.

દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,પીએમ મોદીએ માત્ર સખત પરિશ્રમ જ નથી કર્યો પરંતુ દેશને એકસૂત્રે જોડવાનું મહત્ત્વનું કામ પણ કર્યું છે.સામાન્ય ગરીબ પરિવારમાં અને ગરીબી વચ્ચે બાળપણ વિતાવનાર નરેન્દ્ર મોદીએ કોઈ પણ જાતિ કે રાજકીય બેકગ્રાઉન્ડ વગર પોતાના દમ પર ધ્રુવના તારાની જેમ પ્રગતિ કરી છે. તેમણે આખા સમાજના સરખા વિકાસ માટે કામ કરીને માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને 80 કરોડ લોકોને મફત અનાજ તથા ઘરની સુવિધા પૂરી પાડી છે જેને દેશ હંમેશાં યાદ રાખશે.

આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દુનિયાના દેશો ભારતને નગણ્ય ગણતા હતા.પરંતુ આજે ભારત વિશ્વ માટે એક મજબૂત વિકલ્પ બન્યું છે. આ મોટું પરિવર્તન રાતોરાત નથી આવ્યું,પરંતુ તેના મૂળમાં નરેન્દ્રભાઈની 25 વર્ષની સનિષ્ઠ જનસાધના રહેલી છે.જેમણે હંમેશાં સત્તાને સેવાગિરીનું માધ્યમ બનાવીને દેશમાંથી નક્સલવાદનો સફાયો કર્યો છે.આ સાથે જ પીએમ મોદીનું વડનગર આજે વિરાસતથી વિકાસનું એક રોલ મોડેલ બન્યું છે.જ્યાં તેમની યાદગીરી અને ઇતિહાસને ઉજાગર કરતું સંગ્રહાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનું નિવેદન

વડનગરની પવિત્ર ભૂમિ પરથી સંબોધન કરતાં મહારાષ્ટ્રના ડીવાયસીએમ એકનાથ શિંદેએ પોતાના વક્તવ્યની શરૂઆત ગુજરાતી ભાષામાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડનગરના સપૂત નરેન્દ્ર મોદી આજે સમગ્ર દેશના લાડલા નેતા બની ગયા છે, અને તેમની ઉંમર જોવાને બદલે તેમણે દેશ માટે કરેલી કામગીરી જોવી જોઈએ જેનું કદ હિમાલય જેવડું છે. વર્ષ ૨૦૧૪ પછી ગરીબોને રોટી, કપડાં અને મકાન પૂરાં પાડી તેમના જીવન બદલવાનું કાર્ય થયું છે. યોજનાઓ કાગળ પરથી નીકળીને સીધી લાભાર્થી સુધી પહોંચે તે જ સાચી સેવા છે અને કેન્દ્ર સરકારની દરેક યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનની વૈશ્વિક સ્વીકૃતિના પરિણામે જ વિશ્વના 36 દેશોએ તેમને પોતપોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે.

G20નું સફળ આયોજન અને વેક્સિન મૈત્રી દ્વારા ભારતની વૈશ્વિક છબી થઈ મજબૂત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક અને શાસન સેવા ક્ષેત્રે ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમના નેતૃત્વ હેઠળ મેળવેલી વિવિધ દેશી-વિદેશી સિદ્ધિઓ રેખાંકિત કરવામાં આવી છે. તેમના શાસનકાળ દરમિયાન યોજનાઓ અને સુશાસનના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે તાજેતરમાં દેશનો જીડીપી (GDP) ગ્રોથ રેટ ૭.૮% નોંધાયો છે. આ ઉપરાંત, ભારતમાં સફળતાપૂર્વક યોજાયેલી G20 સમિટથી વૈશ્વિક સ્તરે દેશનું માન-સન્માન વધ્યું છે. મહામારી દરમિયાન ૧૦૦થી વધુ દેશોને વેક્સિન પહોંચાડીને 'વેક્સિન મૈત્રી' દ્વારા ભારત પર વિશ્વનો ભરોસો વધુ મજબૂત બન્યો છે.

વ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે તેમની જન્મભૂમિ વડનગરમાં વિવિધ દિવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ પ્રસંગે મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી ખાસ વડનગર ખાતે પધાર્યા હતા. PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને સમગ્ર વડનગર નગરીમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વડનગરના વિવિધ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો પર સવારથી જ ઉજવણીની ધામધૂમ શરૂ થઈ ગઈ છે.

200 ઋષિકુમારો દ્વારા ડમરુનાદ અને શંખનાદ સાથે મહાનુભાવોનું સ્વાગત

આ ઉજવણી અંતર્ગત વડનગરમાં ડમરુનાદ અને શંખનાદ માટે એક વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સિદ્ધપુરથી ખાસ પધારેલા 200 જેટલા ઋષિકુમારો દ્વારા એકસાથે શંખનાદ અને ડમરુનાદ કરીને કાર્યક્રમમાં પધારેલા આમંત્રિત મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત થનારી મહાઆરતી દરમિયાન પણ આ 200 ઋષિકુમારો દ્વારા દિવ્ય શંખનાદ અને ડમરુનાદ કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવવામાં આવશે.

"હિન્દુ સંસ્કૃતિનું જતન અને વિશ્વ સ્તરે ભારતનો ડંકો": અખિલેશ્વર દાસજી

વડનગર ખાતે ઉપસ્થિત રહેલા મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજીએ PMના નેતૃત્વની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દેશમાં આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે અને કશ્મીરમાંથી કલમ 370 હટાવીને દેશને એક તાંતણે બાંધવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે PM મોદીના પ્રયાસોથી જ આજે હિન્દુ સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે. જ્યારે પણ કોઈ વિદેશી મહેમાન ભારત આવે છે ત્યારે PM તેમને પવિત્ર મંદિરોના દર્શને લઈ જાય છે અને પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપીને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક પરિચય કરાવે છે.

આ પણ વાંચો : Ahmedabad News: શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક વધારો, શરદી અને ખાંસી સાથે વાયરલ ફિવરનો કહેર