વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં બેફામ દોડતા ભારે વાહનોના આતંક વચ્ચે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.તાલુકાના પરથમપુરા ગામે માતેલા સાંઢની માફક દોડતા એક ડમ્પરે માર્ગ પરથી પસાર થઈ રહેલા 60 વર્ષીય વૃદ્ધા શારદાબેન પરમારને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. શારદાબેન પોતાના ખેતરેથી કામ પતાવીને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ખેતરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે બની ઘટના
આ હૃદયદ્રાવક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતના કારણે મુખ્ય માર્ગ પર બંને બાજુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી અકસ્માત અંગે કાયદેસરની તપાસ શરૂ કરી છે.
