વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં પશુપાલકો પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડેસરના 7 ગામોના 400 જેટલા પશુપાલકોનું દૂધ આજે 12મા દિવસે પણ રાણીયા દૂધ મંડળીમાં સ્વીકારવામાં આવ્યું નથી. 

પશુપાલકોમાં ભારે રોષ અને આક્રોશ

દૂધ મંડળી દ્વારા અચાનક જ દૂધ ભરવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 12 દિવસથી દૂધના વેચાણ પર સંપૂર્ણ બ્રેક વાગી જતાં દરરોજ હજારો લીટર દૂધનો બગાડ થઈ રહ્યો છે, જેને કારણે ગરીબ પશુપાલકોની રોજીરોટી સામે બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ ગયો છે.

વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો 

સ્થાનિક પશુપાલકો દ્વારા ડેરી પ્રશાસન અને જવાબદાર તંત્ર સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી. તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે પશુપાલકોનો પિત્તો ગયો છે. 

22 જુલાઇ થી આંદોલનની જાહેરાત

પશુપાલકોએ હવે આરપારની લડાઈ લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. સોશિયલ મીડિયા પર આંદોલનના મેસેજ વાયરલ કરીને ચીમકી આપવામાં આવી છે કે જો ૨૧ જુલાઈ સુધીમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, તો 22 જુલાઇ થી તમામ પશુપાલકો ભેગા મળીને ઉગ્ર આંદોલન આદરશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે. 


 આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : અવકાશમાં નવા ભારતની ગર્જના, 'વિક્રમ-1'એ લખ્યો નવો ઇતિહાસ, બધું જ વાંચી લો એક જ ક્લિકમાં..