વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની મોટી બેદરકારી સામે આવી છે. વાઘોડિયા તાલુકાના ઘોડદરા ગામ પાસે દેવ નદીના બ્રિજની બાજુમાં આવેલા ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર અત્યંત નીચે સુધી લટકી રહ્યા છે. જમીનથી સાવ નજીક આવી ગયેલા આ જીવંત વીજતારોના કારણે ખેડૂતો જીવના જોખમે ખેતી કરવા મજબૂર બન્યા છે.
છેલ્લા 2 વર્ષથી હાલાકી, ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું પણ અશક્ય
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી વીજતારો ખેતરમાં સાવ નીચે સુધી લટકી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂત પોતાના ખેતમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ કે અન્ય ખેતીકામ પણ કરી શકતા નથી. ચોમાસાની સિઝનમાં ખેતીકામ કરવાની મુખ્ય ઋતુમાં જ વીજતારોના ભયથી ખેતી ખોરંભે પડી રહી છે.
બાર-બાર રજૂઆતો છતાં તંત્ર નિદ્રાધીન, ખેડૂતોએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી
ખેતરમાં લટકતા જીવંત વીજતારોને સરખા કરવા માટે ખેડૂતોએ વારંવાર MGVCLની વાઘોડિયા કચેરી ખાતે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી. આમ છતાં, વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ જ સકારાત્મક કામગીરી કરવામાં આવી નથી. તંત્રના બહેરા કાને રજૂઆતો પહોંચાડવા માટે આખરે કંટાળેલા ખેડૂતે મીડિયા સમક્ષ પોતાની આપવીતી અને વ્યથા રજૂ કરી હતી.

અનિચ્છનીય બનાવ બનશે તો જવાબદાર કોણ?
જમીન સરસાપટ લટકતા આ વીજતારોના કારણે જો કોઈ પશુ કે ખેડૂત વીજ કરંટની ચપેટમાં આવી જાય અને મોટી દુર્ઘટના ઘટે, તો તેનો જવાબદાર કોણ રહેશે? તેવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે, કોઈ અણ બનાવ બને તે પહેલાં MGVCL તંત્ર તાત્કાલિક ધોરણે આ વીજતારોને ખેંચીને યોગ્ય ઊંચાઈ પર બાંધવાની કામગીરી પૂર્ણ કરે.
આ પણ વાંચો - Vadodara: કામનાથ મહાદેવ મંદિર ખાતે સાંજે 6 કલાકે 108 દીવડા થકી મહાઆરતી