વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલ્વે સ્ટેશન ખાતે આજે એક મોટી રેલ દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. વિરારથી ઉપડીને ભરૂચ તરફ જઈ રહેલી ટ્રેન નંબર 19101 (વિરાર-ભરૂચ મેમુ ટ્રેન) ભીલાડ સ્ટેશન પર પહોંચી તે જ સમયે અચાનક ટ્રેકના પોઇન્ટ પાસે ટ્રેનનો એન્જિન ભાગ પાટા પરથી નીચે ઉતરી ગયો હતો.અચાનક આંચકા સાથે ટ્રેન ઊભી રહી જતાં મુસાફરોમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
મોટી જાનહાનિ થતા ટળી
ઘટના સમયે ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે ટ્રેનનો માત્ર એન્જિનનો ભાગ જ ડીરેલ થયો હતો અને પાછળના પેસેન્જર કોચ સલામત રહ્યા હતા. આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને નાની-મોટી ઈજા કે જાનહાનિ થઈ નથી, જેથી રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ અકસ્માત મુંબઈ-અમદાવાદને જોડતા અત્યંત વ્યસ્ત રેલવે ટ્રેક પર થયો હોવાના કારણે બંને તરફનો ટ્રેન વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
