વાવ તાલુકામાં આવેલા ડેડાવા ગામના નાગરિકો માટે ચોમાસાની ઋતુ ખુશીને બદલે ભારે આફત લઈને આવે છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી આયોજન ન કરાતાં, વાવ પંથકમાં કે ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ આખું ડેડાવા ગામ જળમગ્ન થઈ જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ચોમાસાના ચારેય મહિના ગામલોકોને પાણીની વચ્ચે જ રહેવું પડે છે.

શિક્ષણ અને વહીવટી સેવાઓ ઠપ્પ

ડેડાવા ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત કચેરી જેવા મહત્વના સાર્વજનિક સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શાળાના કમ્પાઉન્ડ અને વર્ગખંડો સુધી પાણી ભરાઈ જતાં ભૂલકાંઓના અભ્યાસ પર વિપરીત અસર પડી છે.ગામના જાહેર રસ્તાઓ, શેરીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ રહ્યા છે. સતત ભરાયેલા પાણીના કારણે પાણીમાંથી દુર્ગંધ મારવાનું શરૂ થયું છે, જેને કારણે ડેડાવા ગામમાં મચ્છરજન્ય ડેંગ્યુ, મલેરિયા તેમજ રોગચાળો વકરે તેવી ગંભીર ભીતિ ઉત્પન્ન થઈ છે.

શેરીઓ અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી

સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષ 2015, 2017, 2025 અને ચાલુ વર્ષે 2026માં પણ ગામની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્ર કુંભકર્ણની નિદ્રામાં સોયેલું છે. તંત્રના પાપે દર વર્ષે ચાર મહિના જળબંબાકારમાં વિતાવવા મજબૂર બનેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે જેસીબી મૂકીને પાણીનો નિકાલ કરવાની અને કાયમી કાંસ બનાવવાની ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચો: Monsoon 2026 : કોરાધાકોર રહેલા કચ્છ અને દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડમાં મેઘવર્ષા થશે ? વાંચો અપડેટ