દિવાળી અને નૂતન વર્ષના તહેવારો ટાણે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પાટનગર સમાન વલસાડ અને વાપી પંથકને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભવ્ય ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વલસાડ જિલ્લાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાપી ખાતેથી રૂપિયા 441 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વાપી અને આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક કામદારો માટે સંજીવની સમાન 150 બેડની સુવિધાસભર અદ્યતન નવી સરકારી હોસ્પિટલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાપીને મળી 150 બેડની આધુનિક સરકારી હોસ્પિટલ

વાપીની જનતાને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે તમામ આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ 150 બેડની નવી સરકારી હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે.વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ મકાન, ડ્રેનેજ, પીવાના પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કુલ ₹441 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) હોલ ખાતે મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

‘ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન’: મુખ્યમંત્રીનું મહત્વપૂર્ણ સંબોધન

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ માટે જે પણ અદ્યતન સુવિધાઓ મળી રહી છે તેના માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે, જે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સતત કામ કરી રહી છે. સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ટેક્સ વ્યવસ્થા અને નાણાકીય શિસ્ત જરૂરી બને છે. આજે પણ સમગ્ર દેશમાં નાણાકીય વ્યવહારો અને આર્થિક ગતિવિધિઓમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. વૈશ્વિક આર્થિક મંદી કે અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનો સૌથી ઝડપી વિકસતો દેશ બન્યો છે. મુખ્યમંત્રીએ સ્વચ્છતા, વીજળી અને જળ સંરક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર નાગરિકોને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. વલસાડની ધરતી પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો:Ahmedabad: વિદ્યાર્થીઓની ફીના નાણાં કચરાની જેમ વહાવી દીધા! ગુજરાત યુનિવર્સિટીમાં 2,500ના ટ્રકના ₹8,000 ચૂકવાયા