વલસાડ જિલ્લામાં મેઘરાજા સતત કાળો કેર વર્તાવી રહ્યા છે. ડુંગરાળ અને આદિવાસી વસ્તી ધરાવતા કપરાડા તાલુકામાં અવિરત વરસી રહેલા આકાશી પૂરના કારણે પહાડી વિસ્તારોમાં જમીન ખસવાની અને ભૂસ્ખલનની ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. કપરાડાના ધારણમાળ ગામ નજીક ભારે વરસાદના અતિશય દબાણના લીધે આખો ડુંગર ફાટવાની (માટી અને પથ્થરો ધસી પડવાની) ભયાનક ઘટના બની છે.

વરસાદને કારણે પહાડોની માટી પોચી પડી 

મળતી માહિતી અનુસાર, ધારણમાળ ગામની આસપાસ આવેલો અંદાજે ૫ કિલોમીટર લાંબો ડુંગરાળ વિસ્તાર ચોમાસાના તોફાની સ્પેલથી ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગઈકાલે રાત્રિથી જ વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પહાડોની માટી પોચી પડી ગઈ હતી, જેના લીધે અચાનક ડુંગરનો વિશાળ હિસ્સો કડડભૂસ થઈને નીચે ધસી પડ્યો હતો.

મોટી હોનારતમાં સદનસીબે જાનહાનિ ટળી

ડુંગર ફાટવાની સાથે જ પહાડ પરથી મોટા મોટા પથ્થરો, વૃક્ષો અને કાદવ-માટીનો તોતિંગ જથ્થો નીચે વહી આવ્યો હતો. જેના કારણે આસપાસના ખેતરો અને માર્ગો પર ભારે નુકસાન સર્જાયું છે. જોકે, ઘટના બની તે સમયે નીચેના ભાગે કોઈ વાહન કે સ્થાનિક લોકોની અવરજવર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, જેથી સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Surat: ગોડાદરામાં પૂરની ભયાનક સ્થિતિ! 1 કિમી સુધીનો આખો રોડ 4 દિવસથી પાણીમાં ગરકાવ