વલસાડ જિલ્લાની લોકમાતા ગણાતી નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાંથી પસાર થતી કોલક નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે અચાનક પૂરની ભયાનક આવક થઈ હતી. નદી બે કાંઠે છલકાઈ જતાં કિનારે આવેલા પંડોર અને અંબાચ ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, કોલક નદીમાં ઘોડાપૂર એટલી ઝડપથી આવ્યું કે લોકોને પોતાના ઘરની કિંમતી વસ્તુઓ, અનાજ અને ઇલેક્ટ્રોનિક સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાનો સમય જ મળ્યો નહોતો.
શાળા અને ઘરોમાં ભારે હોનારત
પંડોર ગામમાં પૂરના પાણી ઘરોની સાથે સાથે ગામની પ્રાથમિક શાળામાં પણ ફરી વળ્યા હતા. શાળાના વર્ગખંડોમાં પાણી અને કીચડ ભરાઈ જતાં શૈક્ષણિક સાહિત્ય, કમ્પ્યુટર અને અન્ય સામગ્રીને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. આ જ રીતે અંબાચ ગામે પણ મોટાભાગના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી. પાણી ઓસર્યા બાદ ઘરો, શેરીઓ અને શાળામાં મોટાપ્રમાણમાં દુર્ગંધ મારતો કીચડ, કાંપ અને ગંદકી જમા થઈ ગયા છે.
