દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદે કારોબાર અને સંગઠિત ગુનાખોરી સામે વલસાડ જિલ્લા પોલીસે લાલ આંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતી આખી સિન્ડિકેટ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતાં જ સમગ્ર બુટલેગર લોબીમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
નિલ્યો ઘોડો સહિત કુલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘૂસાડતી આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર નીલેશ ઉર્ફે 'નિલ્યો ઘોડો' સહિત કુલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સંગઠિત ગુનાખોરીમાં સામેલ અન્ય છ જેટલા આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોય, તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી દારૂના આ મોટા નેટવર્કનું પૂરું સત્ય સામે આવી શકે.
