સંઘપ્રદેશ દમણમાંથી એક ચોંકાવનારા અને ધ્રુજાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. દમણગંગા નદી પર આવેલા રાજીવ ગાંધી સેતુ બ્રિજ પરથી માતા અને પુત્રએ અચાનક નદીના વહેતા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પહેલા પુત્રએ બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું અને તેને કૂદતો જોઈને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પાછળથી માતાએ પણ નદીમાં ઝાંપલાવી દીધું હતું.

અચાનક બનેલી ઘટનાથી બ્રિજ પર દોડધામ મચી

બ્રિજ પરથી માતા અને પુત્રના નદીમાં કૂદવાની આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર દમણમાં ભારે ચકચાર જાગી હતી.

મીતના વાડના યુવકો બન્યા 'દેવદૂત'

ઘટના સમયે નજીકમાં આવેલા મીતના વાડ વિસ્તારના સ્થાનિક યુવકોની નજર નદીમાં ડૂબી રહેલા માતા-પુત્ર પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને આ યુવકો પોતાના જીવની પરવા કર્યા વગર તુરંત જ મદદે ધસી આવ્યા હતા અને બંનેને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું. મીતના વાડના આ સ્થાનિક યુવકો માતા-પુત્ર માટે સાચા અર્થમાં 'દેવદૂત' સાબિત થયા હતા.

Daman News: Mother and Son Jump into Damanganga River Saved by Locals

ભારે જહેમત બાદ બંનેનો આબાદ બચાવ કરાયો

સ્થાનિક યુવકોએ નદીના પાણીમાં ભારે જહેમત ઉઠાવીને ડૂબી રહેલા માતા અને પુત્ર બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલી આ મદદના કારણે એક મોટી હોનારત ટળી હતી અને બંનેનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ યુવકોની આ સાહસિક કામગીરી અને સમયસૂચકતાના મુક્ત મને વખાણ કર્યા હતા.

નદીમાં કૂદવાનું કારણ અકબંધ, તપાસ શરૂ

માતા અને પુત્રએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભરીને દમણગંગા નદીમાં છલાંગ લગાવી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંનેને સુરક્ષિત કબ્જામાં લઈ તેમની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને કૌટુંબિક કે માનસિક કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું તે અંગે વધુ ચોકસી હાથ ધરી છે.


આ પણ વાંચો - Daman News : દરિયામાં ડૂબતી 7 વર્ષની બાળકી માટે લાઈફ ગાર્ડ દેવદૂત બન્યો, આબાદ બચાવ કર્યો