બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં ગૌરક્ષકોની સજાગતાને કારણે પશુઓની ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વકની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.ગૌરક્ષકો દ્વારા શંકાસ્પદ હાલતમાં જઈ રહેલી એક આઇસર ટ્રકને રોકીને તપાસ કરવામાં આવતાં તેમાંથી મોટી સંખ્યામાં પશુઓ મળી આવ્યા હતા.આ મામલે 112 નંબર પર જાણ કરાતાં થરાદ પોલીસની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
20 ગાયો અને 3 વાછરડાં ખીચોખીચ ભરેલાં મળ્યાં
ઝડપાયેલી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાંથી 20 ગાયો અને 3 વાછરડાં મળીને એકંદર 23 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પશુઓને કોઈ પણ પ્રકારની દયા-માયા રાખ્યા વિના ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા.સૌથી ગંભીર બાબત એ હતી કે આટલી મોટી સંખ્યામાં રહેલા પશુઓ માટે આઇસરમાં ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા કે વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જેના કારણે પશુઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આઇસર ટ્રકમાં ભરેલાં કુલ 23 પશુઓની અંદાજિત કિંમત રૂ.4.15 લાખ હોવાનું સામે આવ્યું છે.
