ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે કુલ 39 મેડલ સાથે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ગેમ્સ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના નિવાસસ્થાને ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ PM મોદી સાથે ખુલ્લા દિલે વાતચીત કરી હતી અને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.

નરેન્દ્રએ સિલ્વર મેડલ જીત્યો

આ મુલાકાત દરમિયાન ભારતીય હેવીવેઈટ બોક્સર નરેન્દ્ર બેરવાલે PM મોદીને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. નરેન્દ્રે કોમનવેલ્થ ગેમ્સમાં 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમને જણાવ્યું કે વર્ષ 2015માં મિલિટરી ગેમ્સ દરમિયાન તેમની પ્રથમ બાઉટ પાકિસ્તાની બોક્સર સામે હતી. તેમને મિલિટરી તરફથી ફોન કરીને પાકિસ્તાન સામે ન હારવાની વાત કહેવામાં આવી હતી.

મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે

નરેન્દ્રે જણાવ્યું કે તેમણે પ્રથમ બાઉટ 4-1થી અને બીજી બાઉટ 3-2થી જીતી હતી. આ દરમિયાન બંને બોક્સરના માથા પણ અથડાયા હતા અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

https://twitter.com/ANI/status/2086683661504843813

નરેન્દ્રે આગળ જણાવ્યું કે તેમના કોચનું નામ પણ નરેન્દ્ર રાણા હતું અને તે સમયે ભારતના વડાપ્રધાનનું નામ પણ નરેન્દ્ર હતું. આ સંયોગને લઈને પાકિસ્તાની બોક્સરે તેમને કહ્યું હતું કે, “તમારું નામ નરેન્દ્ર છે, તમારા કોચનું નામ પણ નરેન્દ્ર છે અને તમારા PMનું નામ પણ નરેન્દ્ર છે. હવે મને નરેન્દ્ર નામથી નફરત થઈ ગઈ છે.” આ વાત સાંભળીને PM મોદી હસતા જોવા મળ્યા હતા. 

ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા 

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સિંગ ટીમનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું હતું. ભારતે બોક્સિંગમાં 10 મેડલ જીત્યા હતા, જ્યારે નરેન્દ્ર બેરવાલે 90+ કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં તેમને ઇંગ્લેન્ડના ડામાર થોમસ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન