ચાલુ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદ ઓછો વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી ઘટ જોવા મળી છે.ત્યારે ખેતી બચાવવા માટે ખેડૂતો સરકાર પાસે પાણીની માગ કરી રહ્યાં છે. સરકારને નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો થઈ રહી છે. એવામાં વાવ થરાદ જિલ્લામાં પાણીની કેનાલના રીપેરિંગ માટે ખેડૂતો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ કોઈ અધિકારીએ ત્યાં ધ્યાન નહીં દેતા આખરે ખેડૂતોએ જાત મહેનત ઝીંદાબાદનું સુત્ર અપનાવી આખી કેનાલ જાતે જ રીપેર કરવા માટે શરૂઆત કરી છે. 

તંત્રની બેદરકારી સામે આવતા ખેડૂતો ભારે પરેશાન થયા

વાવ થરાદ પંથકના બાલુંત્રી ગામમાં કેનાલની સફાઈ અને સમારકામ બાબતે તંત્રની બેદરકારી સામે આવતા ખેડૂતો ભારે પરેશાન થયા છે.સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી હાથ ધરી ન હતી.આખરે પાણીની સમસ્યા હલ કરવા માટે ખેડૂતો જાતે મેદાનમાં ઉતર્યા હતા અને કેનાલ રીપેરિંગની કામગીરી કરી હતી.બાલુંત્રી ગામના ખેડૂતો કેનાલની સમસ્યાને લઈને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.કેનાલની સફાઈ ન થવાના કારણે તેમજ તેમાં થયેલા ભંગાણને લીધે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું ન હતું.ખેડૂતો માટે સિંચાઈના પાણીની જરૂરિયાત અનિવાર્ય હોવાથી તેમણે તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો.આ સંદર્ભે સ્થાનિક ખેડૂતોએ કેનાલની સફાઈ અને સમારકામ માટે સંબંધિત અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી. 

પાણીની ગંભીર સમસ્યા હલ કરવા માટે ખેડૂતો એકઠા થયા

તંત્ર દ્વારા વહેલી તકે કેનાલનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.ખેડૂતોની રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા સમારકામની કોઈ જ કામગીરી કરવામાં ન આવી.અધિકારીઓની આ ઉદાસીન નીતિના કારણે ખેડૂતોની પરેશાનીમાં સતત વધારો થતો રહ્યો હતો.બાલુંત્રી ગામના ખેડૂતોએ આખરે લાચારી છોડીને જાતે જ આગળ આવવાનો નિર્ધાર કર્યો હતો.પાણીની ગંભીર સમસ્યા હલ કરવા માટે ખેડૂતો એકઠા થઈને પોતે જ મેદાનમાં ઉતરી પડ્યા હતા.કેનાલના રીપેરિંગ માટે કોઈ સરકારી મદદની રાહ જોયા વિના ખેડૂતોએ પોતાના સાધનો સાથે કામગીરી શરૂ કરી દીધી હતી. ખેડૂતોએ એકસંપ થઈને કેનાલનું રીપેરિંગ કામ હાથ ધરીને જાતે જ સમારકામ પૂર્ણ કર્યું હતું.ખેડૂતોએ તંત્ર પર નિર્ભર રહેવાને બદલે શ્રમદાન કરીને કેનાલનું સમારકામ કરતા આસપાસના વિસ્તારોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને મારી ટક્કર, વર્ના કારમાંથી દારૂની બોટલ મળતાં 2 શખ્સોની અટકાયત