ગુજરાતમાં અલનીનોની અસરને કારણે આ વખતે વરસાદ ઓછો થયો છે. તેમાંય બનાસકાંઠા અને વાવ થરાદ જેવા સરહદી જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઘાસચારાના અભાવે પશુઓનો નિભાવ અને પાણીના અભાવે ખેતીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં નર્મદા ડેમ છલોછલ છે છતાંય વાર થરાદ જિલ્લાનાં ખેડૂતોને સિંચાઈ માટે ઓછુ પાણી મળવાના સંકેતો મળ્યા છે. રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઓછા પાણીથી વાવણી કરવા ખેડૂતોને અપીલ કરી છે. 

નર્મદા ડેમ છલોછલ, છતાં ઓછું પાણી મળશે

રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન યોજાયેલી જાહેર સભામાં પોતાના પ્રવચન અંગે ઊભા થયેલા પ્રશ્નોનો અંત લાવતાં સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષ અલ-નિનોની સીધી અસર હેઠળ હોવાના કારણે સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની પૂરી શક્યતાઓ રહેલી છે.આ કુદરતી પરિસ્થિતિને કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું ગંભીર જળસંકટ નિર્માણ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને જ તેમણે આ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી.ખાસ કરીને ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રે પાણીની સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમણે ખેડૂતો સમક્ષ આ સાવચેતીભરી બાબતો રજૂ કરી હતી.

ઓછા પાણીમાં પાક વાવવા મંત્રીની ટકોર

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારના તમામ ખેડૂતોને અત્યારથી જ ઉપલબ્ધ પાણીનો અત્યંત વિવેકપૂર્ણ અને યોગ્ય ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવી હતી. પાણીનો બગાડ કે વ્યય અટકાવવા માટે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ જેવી આધુનિક વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે તેમણે ખેડૂતોને ભારપૂર્વક જણાવ્યું હતું.આ ઉપરાંત ખેતીમાં પાણીની બચત કરવાના ભાગરૂપે ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા વૈકલ્પિક પાકોનું વાવેતર કરવા માટે પણ ખેડૂતોને વિશેષ અપીલ કરવામાં આવી હતી.આ પ્રકારના સકારાત્મક આયોજનથી જમીન અને પાક બંને સુરક્ષિત રહી શકે છે અને પાણીની કોઈપણ સંભવિત તંગી સામે આગોતરી તૈયારી કરી શકાય છે. જેથી ખેડૂતોને આવનારા સમયમાં કોઈપણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે મુખ્ય આશય હતો.

સરકાર ખેડૂતોને પાણી આપવા માટે પ્રતિબદ્ધ 

ખેડૂતોમાં ફેલાતી ગેરસમજ દૂર કરતાં સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષની જેમ જ નિયત કરાયેલું સિંચાઈ માટેનું નર્મદાનું પાણી સંપૂર્ણપણે આપવામાં આવશે. સરકાર ખેડૂતોને પાણી આપવા માટે પ્રતિબદ્ધ છે અને નિયત વ્યવસ્થા મુજબ જ જળ વિતરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે મારી આ રજૂઆત કે નિવેદનને નકારાત્મક રીતે લેવાને બદલે આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અત્યારથી જ સકારાત્મક પગલાં લેવા હું જનસામાન્ય તથા ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કરું છું. આમ, પાણીના બગાડ વિના સુચારુ વ્યવસ્થાપન કરવા પર તેમણે સમગ્ર સભામાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

આ પણ વાંચોઃ Lawrence Bishnoi: સલમાનને કહો માફી માંગી લે, લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈનું નિવેદન