વાવ-થરાદ પંથકમાં પાણીના પ્રશ્ને ખેડૂતોની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે. ધરણીધર વિસ્તારના પ્રતાપપુરા ગામના ખેડૂતો છેલ્લા 10 વર્ષથી સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. નર્મદા કેનાલ હોવા છતાં સમયસર અને પૂરતું પાણી ન મળવાને કારણે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાની આ જ પીડા વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને નર્મદા નિગમની કચેરીએ પહોંચ્યા હતા.

કેનાલમાં પાણી ન મળતા ખેતી બરબાદ, આર્થિક ફટકો

ખેડૂતોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, લાંબા સમયથી માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોની ઊભી ખેતી બરબાદ થઈ રહી છે. સિંચાઈનું પાણી ન મળવાથી પાક સુકાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની છે, જેના લીધે જગતના તાતને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, અને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે.


પ્રતાપપુરા માઈનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા ઉગ્ર માગ

આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે પ્રતાપપુરા ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો વહેલી તકે પ્રતાપપુરા માઈનોર કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં નહીં આવે, તો ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.


આ પણ વાંચો: Vav-Tharad: TAT HS પરિણામ સામે ઉમેદવારોમાં રોષ, 31 હજાર ઉમેદવારો ફેલ થયાનો આક્ષેપ