રાજ્યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની ભારે અછત સર્જાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતો પાક બચાવવા માટે સિંચાઈના પાણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વાવ-થરાદ પંથકના સુઈગામ નજીક નર્મદા કેનાલનું કામ છેલ્લા 6 મહિનાથી અટકેલું હોવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

33 કિમી લાંબી કેનાલનું 95 ટકા કામ પૂર્ણ, છતાં પાણી માટે તરસતા ખેડૂતો

થરાદના દેવપુરાથી લઈને સુઈગામ સુધીની 33 કિલોમીટર લાંબી કેનાલનું નવનિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કેનાલનું 95 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા 6 મહિનાથી બાકી રહેલું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કેનાલનું નિર્માણ પૂરું ન થતાં સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી.

Vav-Tharad News: Farmers Protest in Suigam Over Pending Work of 33 km Canal

જમીન આપવા છતાં પાણી ન મળતા કેનાલ પર જઈ કર્યો વિરોધ

સુઈગામ પંથકના ખેડૂતોએ કેનાલના નિર્માણ માટે પોતાની કિંમતી જમીનો આપી હતી, છતાં આજે વરસાદની અછત વખતે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આ મુદ્દે આક્રોશિત થયેલા મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર નર્મદાનું પાણી છોડી પાકને નવું જીવન આપવાનો દાવો કરે છે, પણ કેનાલના અધૂરા કામને કારણે તેઓ આ લાભથી વંચિત રહ્યા છે.

Vav-Tharad News: Farmers Protest in Suigam Over Pending Work of 33 km Canal

તાત્કાલિક કામ પૂર્ણ કરી પાણી છોડવા ઉગ્ર માગ

ખેડૂતોએ તંત્ર સમક્ષ માગ કરી છે કે, કેનાલનું બાકી રહેલું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને તેમાં સત્વરે પાણી છોડવામાં આવે. જો આ 33 કિમી લાંબી કેનાલ કાર્યરત થઈ જાય તો સુઈગામ પંથકના ડઝનબંધ ગામોના ખેડૂતોને સિંચાઈનો મોટો લાભ મળી શકે તેમ છે અને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય તેમ છે.


આ પણ વાંચો - Vav-Tharad News : સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં આરોપી કમા ઝોઝુવાડિયાને આજીવન કેદ