બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાં ચકચાર મચાવનારા પ્રવિણ ઠાકોર હત્યા કેસમાં થરાદ સેશન્સ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી કમા ઉર્ફે કમલેશ ઝોઝુવાડિયાને દોષિત ઠેરવીને આજીવન કેદની સખત સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે આરોપીને રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટના આ આકરા આદેશથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફાળ પડી છે અને મૃતકના પરિવારને આખરે ન્યાય મળ્યો છે.

જુલાઈ 2024માં લાકડીના ફટકા મારી કરી હતી કરપીણ હત્યા

આ ચકચારી ઘટનાની વિગત મુજબ, જુલાઈ 2024માં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી કમા ઉર્ફે કમલેશ ઝોઝુવાડિયાએ આવેશમાં આવીને પ્રવિણ ઠાકોર પર લાકડીના સપાટા મારીને કરપીણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે પ્રવિણ ઠાકોરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ થરાદ પોલીસ મથકે આરોપી કમા ઝોઝુવાડિયા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પુરાવા અને ધારદાર દલીલોને ધ્યાને લઈ કોર્ટે સંભળાવી સજા

આ કેસની સુનાવણી થરાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ અને થરાદ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સમગ્ર કેસના તથ્યોને ધ્યાનમાં રાખીને અદાલતે આરોપીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. લાંબા સમયની કાનૂની લડાઈ બાદ કોર્ટના આ ન્યાયિક નિર્ણયથી મૃતક પ્રવિણ ઠાકોરના શોકગ્રસ્ત પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો : Panchmahalમાં તલાટીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, રક્ષાબંધનના પારિવારિક વિવાદની ચર્ચા