થરાદ તાલુકાના અંતરિયાળ ગણેશપુરા ગામમાં સંબંધોની પવિત્રતાને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. ગામના એક ખેતરમાં ભાગીદારીમાં (ભાગે) ખેતી કરતા ગમા ઠાકોર નામના શ્રમિક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં પરિસ્થિતિ એવી ઉભી કરવામાં આવી હતી કે જાણે યુવકનું કોઈ બીમારી કે કુદરતી રીતે મોત થયું હોય. પરંતુ મૃતકના શરીર પરના કેટલાક નિશાનો અને ઘટનાસ્થળની શંકાસ્પદ ગતિવિધિઓને કારણે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. થરાદ પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી હતી.

અનૈતિક સંબંધો અને હત્યાનું કાવતરું

પોલીસની પ્રાથમિક તપાસ અને સ્થાનિકોની પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. મૃતક ગમા ઠાકોર જે ખેતરમાં ભાગિયા તરીકે પરિવાર સાથે રહીને કામ કરતો હતો, તે જ ખેતરના માલિક સાથે ગમા ઠાકોરની પત્નીને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ આડા સંબંધોની જાણ ગમા ઠાકોરને થઈ ગઈ હોવાથી અવારનવાર ઘરમાં ઝઘડા થતા હતા. પોતાના પ્રેમ સંબંધોમાં અવરોધ બનતા પતિને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા માટે કાતિલ પત્ની અને ખેતર માલિકે ત્રીજા વ્યક્તિ સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું અને મોકો જોઈને ગમા ઠાકોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હોસ્પિટલના રિપોર્ટથી ભાંડો ફૂટ્યો

હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને આખા મામલા પર ઠંડુ પાણી રેડવા માટે લાશને પીએમ અર્થે સૌપ્રથમ થરાદની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ કેસ વધુ જટિલ અને શંકાસ્પદ જણાતા તબીબોએ લાશને સ્પેશિયલાઇઝ્ડ ઓટોપ્સી માટે ધારપુર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રેફર કરી હતી. ધારપુરના ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કરાયેલા પેનલ પીએમ અહેવાલમાં સ્પષ્ટ થયું કે યુવકનું મોત કુદરતી નથી પરંતુ તેનું ગળું દબાવીને કે શ્વાસ રુંધીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ પીએમ રિપોર્ટ આવતાની સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું. થરાદ પોલીસે તાત્કાલિક અસરથી મૃતકની પત્ની, ખેતર માલિક સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ મર્ડર અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધી આરોપીઓને રાઉન્ડઅપ કરવા અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે.

આ પણ વાંચો: Vadodara: બિલ ટાંકી વિસ્તારમાં રોડ બેસી જતા જનતા ત્રાહિમામ, પાલિકા અને કોર્પોરેટરો સામે જનઆક્રોશ