વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના રોડ એન્જિનિયરિંગ વિભાગની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલાં પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ, વાસ્તવિક ચિત્ર તદ્દન જુદું છે. વડોદરાના બિલ ટાંકી વિસ્તારનો મુખ્ય માર્ગ અચાનક જમીનમાં બેસી ગયો છે અને મોટો ખાડો કે ભૂવો પડી ગયો છે. આ વ્યસ્ત રોડ પરથી રોજ હજારો વાહનચાલકો અને શાળાએ જતા બાળકો પસાર થાય છે, જેના કારણે હવે અહીં મોટું શારીરિક જોખમ અને અકસ્માતનો ભય ઉભો થયો છે.

ચૂંટણી પછી નેતાઓ ગાયબ, નાગરિકોમાં રોષ

આ ભયજનક રસ્તાને કારણે રોષે ભરાયેલા બિલ ટાંકી વિસ્તારના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્ર તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ (કોર્પોરેટરો) વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. સ્થાનિક મહિલાઓ અને વડીલોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, "અમે દર વર્ષે કોર્પોરેશનને મિલકત વેરો, પાણી વેરો અને સફાઈ વેરો નિયમિત અને સમયસર ચૂકવીએ છીએ. તો વળતરમાં અમને આવા જીવલેણ ખાડાવાળા રસ્તા કેમ મળી રહ્યા છે?" સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતોની ભીખ માંગવા માટે કોર્પોરેટરો અને રાજકીય પક્ષોના નેતાઓ સોસાયટીઓમાં હાથ જોડીને લાઈનો લગાવે છે, પરંતુ આજે જ્યારે રસ્તો બેસી ગયો છે અને લોકો પરેશાન છે ત્યારે એક પણ કોર્પોરેટર વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની ફરિયાદ સાંભળવા ફરકતો નથી.

થીગડાં મારવાની નીતિ અને પાણીની બેવડી આફત

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ નવી સમસ્યા નથી, દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પ્રકારની 'રામાયણ' સર્જાય છે. જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે પાલિકાનું તંત્ર માત્ર સસ્તું મટીરિયલ કે કપચી નાખીને 'કામચલાઉ થીગડાં' (પેચવર્ક) મારીને સંતોષ માની લે છે, જે પ્રથમ વરસાદમાં જ ફરી ધોવાઈ જાય છે. આ બિસ્માર રસ્તાની આફતની સાથે-સાથે આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણીની પણ વિકટ સમસ્યા ચાલી રહી છે. દૂષિત અથવા અપૂરતું પાણી મળવાના કારણે લોકો રોગચાળાના ભય નીચે જીવી રહ્યા છે. રહીશોએ વહીવટી તંત્રને અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ માંગ કરી છે કે માત્ર એર-કંડિશન્ડ ઓફિસોમાં બેસીને કાગળ પર પ્રિ-મોન્સૂન કામગીરી બતાવવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારના રોડનું ડામર-કોંક્રિટથી મજબૂત અને કાયમી સમારકામ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન અને મનપા કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: સલાબતપુરામાં 80 વર્ષના નરાધમ મન્સૂરી મુસાએ 6 વર્ષની બાળકી પર આચર્યું કુકર્મ