સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક રૂંવાડા ઉભા કરી દે તેવી નરાધમતાની ઘટના પ્રકાશમાં આવી છે, જેણે પડોશ અને વૃદ્ધો પ્રત્યેના વિશ્વાસ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ પંથકમાં રહેતા એક શ્રમિક પરિવારની ૬ વર્ષની દીકરી પોતાના ઘરના આંગણામાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો 80 વર્ષનો મન્સૂરી મુસા નામનો વૃદ્ધ ત્યાં આવ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ વૃદ્ધે બાળકીની માસૂમિયતનો ફાયદો ઉઠાવી, તેને લાલચ આપી અથવા ફોસલાવીને પોતાના ઘરમાં બોલાવી લીધી હતી. ઘરમાં એકલતાનો લાભ લઈને આ હવસખોર વૃદ્ધે બાળકી સાથે અત્યંત ગંદી હરકતો કરી દુષ્કર્મ આચર્યું હતું.
દાદીની સતર્કતાથી ફૂટ્યો ભાંડો
નરાધમના સકંજામાંથી છૂટીને બાળકી જ્યારે રડતી રડતી પોતાના ઘરે પહોંચી ત્યારે તેની શારીરિક અને માનસિક સ્થિતિ જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાળકીની દાદીએ તેને આશ્વાસન આપીને પૂછપરછ કરતા, બાળકીએ કાલીઘેલી ભાષામાં મન્સૂરી મુસાએ કરેલી તમામ ગંદી કરતૂતો અને અત્યાચારની હકીકત જણાવી દીધી હતી. માસૂમ પૌત્રીની વાત સાંભળી દાદી અને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે સમય ગુમાવ્યા વિના તુરંત જ સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને નરાધમ મન્સૂરી મુસા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
