ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર શહેરમાં કડક હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના ચુસ્ત અમલ માટે તમામ ઝોનની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્ક્વોડની ટીમોને રાઉન્ડ ધ ક્લોક કોમ્બિંગ અને સરપ્રાઇઝ ચેકિંગ કરવાના આદેશ અપાયા છે. આ કવાયત અંતર્ગત એલસીબી (LCB) ઝોન-5 ની ટીમ પોતાના વિસ્તારમાં ગુપ્ત બાતમીદારો અને ટેક્નિકલ સોર્સની મદદથી સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને મોટી સફળતા મળી હતી અને અલગ-અલગ શંકાસ્પદ સ્પોટ પરથી હથિયારો સાથે ફરતા ૬ શખ્સોને આઈડેન્ટિફાય કરી દબોચી લેવામાં આવ્યા હતા.

નામોની યાદી અને હથિયારોની જપ્તી

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, પકડાયેલા અસામાજિક તત્વોમાં (1) રણજીત ઠાકોર, (2) સુરેશ તેલગુ, (3) રાહુલ ચૌહાણ, (4) અવિનાશ માળી, (5) આકાશ સેગર અને (6) હરદેવ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે જ્યારે આ શખ્સોની અંગઝડતી અને વાહનોનું ચેકિંગ કર્યું ત્યારે તેમના કબ્જામાંથી કાયદેસરના પરવાના વગરના અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવાના ઈરાદે રાખવામાં આવેલા મોટા છરા તેમજ અત્યંત ધારદાર ચપ્પુઓ મળી આવ્યા હતા. પોલીસે તમામ હથિયારો મુદ્દામાલ તરીકે ઘટનાસ્થળેથી જ જપ્ત કરી લીધા હતા.

જીપી એક્ટ હેઠળ ગુનો અને આગળની તપાસ

રથયાત્રા જેવા સંવેદનશીલ તહેવાર પૂર્વે આ પ્રકારે હથિયારો સાથે ફરવું એ કોઈ મોટી ગેંગવોર અથવા અનિચ્છનીય ઘટનાને અંજામ આપવાનું કાવતરું હોઈ શકે છે, તે આશંકાને આધારે પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. હાલમાં તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ (GP Act) ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. એલસીબીની ટીમે પ્રાથમિક પંચનામું પૂર્ણ કરીને આ તમામ આરોપીઓને જે-તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી દીધા છે. 

આ પણ વાંચો: Ahmedabad: રથયાત્રા પૂર્વે AMC એક્શન મોડમાં, રૂટ પર 544મકાનો જર્જરિત જાહેર, ભયજનક ઇમારતો પાસે તૈનાત રહેશે સ્ટાફ