અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં નીકળનારી ભગવાન જગન્નાથની અષાઢી બીજની રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન સાથે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એ પણ કમર કસી છે. દર વર્ષે રથયાત્રાના દર્શન માટે લાખોની મેદની ઉમટી પડતી હોય છે અને લોકો રૂટ પર આવેલા મકાનોની બાલ્કનીઓ, ધાબા અને છાપરા પર ચડીને ભગવાનના દર્શન કરતા હોય છે. ભૂતકાળમાં મકાનની બાલ્કની તૂટી પડવાની બનેલી દુર્ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે AMC કમિશનરની સૂચનાથી એસ્ટેટ વિભાગે રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું મિકેનિકલ નિરીક્ષણ કર્યું હતું. આ સંયુક્ત સર્વેક્ષણ બાદ મનપા દ્વારા સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવાનો નિર્ણય કરાયો છે.
544 મકાનો જોખમી, ગ્રીન નેટનું પ્રોટેક્શન
મનપાના સર્વેમાં બહાર આવ્યું છે કે રથયાત્રાના રૂટ પર ખાસ કરીને જમાલપુર, ખાડિયા, કાલુપુર, દરિયાપુર અને શાહપુર જેવા જૂના કોટ વિસ્તારની પોળોમાં કુલ ૫૪૪ જેટલા મકાનો જર્જરિત અને ભયજનક હાલતમાં છે. આ તમામ મકાનોના માલિકોને અગાઉથી જ નોટિસો આપી દેવામાં આવી છે. કોઈપણ અકસ્માત નિવારવા માટે, જે મકાનોના પ્લાસ્ટર કે ઇંટો ખરી પડે તેમ છે તેવા ભયજનક મકાનોની ફરતે મનપા દ્વારા લીલી સેફ્ટી નેટ બાંધી દેવામાં આવી છે. આ ઉપરાંત, ટેક્નિકલ ટીમ દ્વારા અત્યંત નબળા જણાતા ૩૧ મકાનોની ગેલેરી કે જોખમી ભાગોને કાયદાકીય રાહે તોડી પાડીને દૂર કરવામાં આવ્યા છે જેથી રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય.
