ગુજરાત-રાજસ્થાન સરહદ પર ગુનેગારો સામે લાલ આંખ કરતા વાવ થરાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ એક મોટી સફળતા હાંસલ કરી છે. વાવ-થરાદ પંથકમાં એલસીબી પોલીસે ફિલ્મી ઢબે ગુપ્ત ઓપરેશન પાર પાડીને છેલ્લા 6 મહિનાથી પોલીસને હંફાવતા, લૂંટ અને ઘાતક હથિયારોની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આરોપી અનિલ બિશ્નોઈને દબોચી લીધો છે.
આરોપીને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધો
એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનનો રીઢો ગુનેગાર અનિલ બિશ્નોઈ સરહદી વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે જાળ બિછાવીને થરાદ હાઇવે પર મલુપુર નજીક આવેલી રામદેવ હોટલમાંથી આરોપીને ચારેય તરફથી ઘેરીને દબોચી લીધો હતો. હાઇવે પર બનેલી આ સનસનાટીપૂર્ણ ધરપકડની સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં પોલીસની તત્પરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.













