ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની નગરપાલિકા કચેરીમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર શહેરને રખડતા પશુઓથી મુક્ત કરાવવાની જવાબદારી જે તંત્રના શિરે છે, તે જ વેરાવળ પાલિકા કચેરીના પરિસરમાં આખલા અને રખડતા પશુઓ બિન્દાસ આંટાફેરા મારતા નજરે પડ્યા છે. પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં પશુઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ત્યાં જ મળમૂત્ર કરી રહ્યા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં તંત્ર ઘેરાયું
પાલિકા કચેરી પરિસરમાં રખડતા પશુઓ અને આખલાઓની આ 'દાદાગીરી'નો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક તંત્રની ભારે ફજેતી થઈ રહી છે. કચેરીએ પોતાના કામ અર્થે આવતા અરજદારો અને નાગરિકો માટે પણ આ રખડતા આખલાઓ જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે, છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.
