અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે રોગચાળાએ ભારે અજગરી ભરડો લીધો છે. ઓગસ્ટ મહિનાના માત્ર પ્રથમ 15 દિવસમાં જ મેલેરિયાના 48 કેસ (ચાલુ વર્ષે કુલ 223), ડેન્ગ્યુના 68 કેસ (ચાલુ વર્ષે કુલ 295) અને ઝેરી મેલેરિયાના 6 કેસ (ચાલુ વર્ષે કુલ 25) નોંધાયા છે. બીજી તરફ, પીવાના પાણીના 18 નમૂના ફેલ થતાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે, જેમાં આ 15 દિવસમાં જ ઝાડા-ઊલટીના 192 (કુલ 3,748), ટાઈફોઈડના 95 (કુલ 1,296) અને કમળાના 39 કેસ (કુલ 491) સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

શહેરની જાણીતી હોસ્પિટલો જ બની મચ્છરોનું બ્રીડિંગ સેન્ટર

રોગચાળાની ગંભીર સ્થિતિ વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે દર્દીઓને સાજા કરતી હોસ્પિટલ સંકુલો જ મચ્છરજન્ય રોગોની જન્મદાતા બની છે. AMC ની તપાસ દરમિયાન વસ્ત્રાલની હેલ્થ-1, સૈજપુરની ચૌધરી, શાહીબાગની રાજસ્થાન, નિકોલની દેવસ્ય અને ચાંદલોડિયાની શાલીન હોસ્પિટલ ઉપરાંત સરદારનગરની એમ.એમ. સિંધી નર્સિંગ કોલેજમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ જ બ્રીડિંગ મળી આવતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

AMC નો કડક ધાકધમકીનો કોરડો

ચોમાસામાં વકરતા મચ્છરજન્ય કેસોને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં જ ટીમ દ્વારા શાળાઓ, કોલેજો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ અને હોસ્પિટલો સહિત કુલ 632 એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 122 એકમોમાં મચ્છરોનું બ્રીડિંગ મળી આવતા 171 એકમોને કડક નોટિસ પાઠવવામાં આવી છે અને બે દિવસમાં જ રૂ. 5 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Junagadh News : મેંદરડા-સાસણ બન્યું દારૂની મહેફિલનું હોટસ્પોટ? ફાર્મ હાઉસમાં પોલીસનો દરોડો