જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને સાસણ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસો દારૂની મહેફિલો માટે હોટસ્પોટ બનતા હોવાની ફરિયાદો વચ્ચે પોલીસે લાલ આંખ કરી છે. જૂનાગઢ પોલીસે મેંદરડા તાલુકાના નતાડીયા ગામે આવેલા 'વાઈડ વાડી' ફાર્મ હાઉસ પર અચાનક દરોડો પાડ્યો હતો. શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ધમધમતા આ ફાર્મ હાઉસ પર પોલીસે છાપો મારીને ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે.
બે મહિલાઓ સહિત 10 લોકો શરાબની મહેફિલ માણતા ઝડપાયા
પોલીસના આ દરોડા દરમિયાન ફાર્મ હાઉસમાંથી બે મહિલાઓ અને આઠ પુરુષો મળીને એકસાથે કુલ 10 લોકો દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સામાન્ય રીતે ફાર્મ હાઉસનો ઉપયોગ વિસામો કે પ્રવાસ માટે થતો હોય છે, પરંતુ અહીં ફાર્મ હાઉસને દારૂના અડ્ડામાં ફેરવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ મહેફિલમાંથી મહિલાઓ પણ પકડાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
