ભાવનગરથી એક આશ્ચર્યજનક અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. ભાવનગર શહેરના જૂના બંદરની ખાડી વિસ્તારમાં અચાનક ડોલ્ફિન માછલી જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળ્યું છે. દરિયામાં સર્જાયેલી કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે દરિયાઈ ભરતી દરમિયાન આ ડોલ્ફિન ખાડીના અંદરના ભાગમાં આવી પહોંચી હતી. આ અનોખા નજારાને નજરે જોવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

કેબલ બ્રિજ નજીક જોવા મળી ડોલ્ફિન

જ્યારે દરિયાનું ભરતીનું પાણી પાછું ઓસરવા લાગ્યું, ત્યારે આ ડોલ્ફિન કેબલ બ્રિજ નજીક પાણીના પ્રવાહમાં ફસાઈ હોય અથવા ત્યાં જ વિહરતી હોય તેમ સ્પષ્ટ નજરે પડી હતી. કેબલ બ્રિજ નીચે ડોલ્ફિન ખુલ્લા પાણીમાં બિન્દાસ તરી રહી હતી. આ સુંદર અને દુર્લભ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ પળોને કેદ કરી લીધી હતી. દરિયાઈ જીવસૃષ્ટિનું આ અદ્ભુત સ્વરૂપ જોઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

https://www.instagram.com/reel/DdynyRWlIc0/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

વન વિભાગ તાત્કાલિક હરકતમાં, ડોલ્ફિનની સલામતી માટે તજવીજ

ભાવનગરના જૂના બંદર ખાતે ડોલ્ફિન આવી પહોંચ્યાની અને ત્યાં લોકોની ભારે ભીડ જામી હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને ડોલ્ફિનની વર્તમાન સ્થિતિ, સ્વાસ્થ્ય અને તેની સુરક્ષા અંગે ગંભીરતાથી સમીક્ષા કરવામાં આવી છે. ભીડભાડના કારણે આ મૂંગા જીવને કોઈ પણ પ્રકારની તકલીફ કે જોખમ ન સર્જાય, તે માટે વન વિભાગ દ્વારા વિશેષ કાળજી રાખીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Bhavnagarના સુભાષનગરમાં હિટ એન્ડ રનની ઘટના, બેફામ કારચાલકે રસ્તા પર જતી 4 મહિલાઓને લીધી અડફેટે!