નવસારી જિલ્લામાંથી વન્યજીવને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના પેરા ગામમાં એક દીપડો બેરોકટોક અને બિન્દાસ રીતે લટાર મારતો નજરે પડ્યો છે. રાત્રીના સમયે ગામની શેરીઓમાં દીપડાના આ પ્રકારે મુક્તપણે આંટાફેરા જોવા મળતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, અને ખાસ કરીને ખેડૂતો તથા પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

CCTV કેમેરામાં કેદ થઈ દીપડાની હિલચાલ

ગામમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવની ઉપસ્થિતિ હોવાની શંકા સેવાઈ રહી હતી, જે હવે સાચી સાબિત થઈ છે. પેરા ગામના એક વિસ્તારમાં દીપડો બિન્દાસ અંદાજમાં ફરતો હોય તેવું દશ્ય ત્યાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયું છે. આ વીડિયો સોશિયલ મીડિયા અને ગ્રામજનોમાં વાયરલ થતાં જ લોકોની ચિંતા વધુ વધી ગઈ છે. દીપડાની આ અવરજવર પરથી સ્પષ્ટ થાય છે કે, આ વિસ્તારમાં તેની સતત સક્રિયતા રહેલી છે.

https://www.instagram.com/reel/DdyhjKjADv3/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

વન વિભાગ હરકતમાં, દીપડાને પકડવા માટે તજવીજ શરૂ

ગામમાં દીપડાના વધી રહેલા આંટા ફેરા અને લોકોમાં ફેલાયેલા ડરને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ નવસારી વન વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવી ગયો છે. વન વિભાગની ટીમ દ્વારા ગામમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે તેમજ દીપડાને સુરક્ષિત રીતે પકડી લેવા માટે પાંજરૂ ગોઠવવાની અને અન્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Navasari :નિરપણ શાળામાં સેવા સંકલ્પ કાર્યક્રમ શિક્ષણ તરફ વાળવા બાળકોનું સન્માન