પોરબંદર જિલ્લાના રમણીય માધવપુર દરિયાકાંઠે શિયાળાની શરૂઆત થતા જ પ્રકૃતિનો એક અદભુત નજારો જોવા મળ્યો છે. દરિયાના શાંત અને સ્વચ્છ પાણીમાં ડોલ્ફિન માછલીઓના ઝુંડ એકસાથે વિહાર કરતા નજરે પડ્યા હતા. 1 થી વધુ ડોલ્ફિનના આ ઝુંડ દરિયાકાંઠાની નજીક આવતા આસપાસના લોકો અને મુલાકાતીઓ માટે આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

દરિયાના મોજાં વચ્ચે ડોલ્ફિનની અઠખેલીઓએ જમાવ્યું આકર્ષણ

માધવપુરના ઘૂઘવતા દરિયાના મોજાં વચ્ચે ડોલ્ફિન માછલીઓની મસ્તી અને અઠખેલીઓ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પાણીની સપાટી પર કૂદકા મારતી અને તરતી ડોલ્ફિનનો આ નયનરમ્ય નજારો કેમેરામાં પણ કેદ થયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિન દેખાઈ ચૂકી છે, જે અહીંની સમૃદ્ધ દરિયાઈ જીવસૃષ્ટિનો પુરાવો આપે છે.


અદભુત નજારો જોઈ પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ દરિયામાં ડોલ્ફિનના આગમનથી સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાઈ પ્રદૂષણમાં ઘટાડો અને સાનુકૂળ વાતાવરણને કારણે ડોલ્ફિન જેવા સંવેદનશીલ દરિયાઈ જીવો કિનારા નજીક આવી રહ્યા છે, જે પર્યાવરણ માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદ AMCએ જાહેર કરી ડ્રાફ્ટ ઈવી પોલિસી! વર્ષ 2030 સુધીમાં શહેરના 81 સ્થળોએ 3,063 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરાશે