અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા ઈલેક્ટ્રિક વાહનો (EV)ની સંખ્યા અને વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ પહેલાંના માળખાકીય વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા 'ડ્રાફ્ટ ઈવી પોલિસી-2026' જાહેર કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત વર્ષ 2030 સુધીમાં શહેરના અલગ-અલગ 81 સ્થળોએ કુલ 3,063 ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંગે નાગરિકો પાસેથી 30 દિવસમાં વાંધા-સૂચન મંગાવવામાં આવ્યા છે.

2030 સુધીમાં 2.45 લાખ ઈવીનો અંદાજ

મનપાના બેઝ એસેસમેન્ટ મુજબ, અમદાવાદમાં નોંધાયેલા 50 લાખથી વધુ વાહનોમાં હાલ ઈવીનો હિસ્સો 2.5 થી 3 ટકા છે, પરંતુ નવા વેચાતા વાહનોમાં આ હિસ્સો 6 થી 8 ટકા સુધી પહોંચ્યો છે. વર્ષ 2030 સુધીમાં અમદાવાદમાં અંદાજે 2.45 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલ હશે.

ખાનગી વાહન માટે પ્રતિ યુનિટ ₹18 અને સરકારી બસ માટે ₹16 ચાર્જ વસૂલાશે

ડ્રાફ્ટ પોલિસી મુજબ, જનમાર્ગ (BRTS) અને AMTS દ્વારા ડેવલપ કરવામાં આવેલા ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનો પર ખાનગી ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે પ્રતિ યુનિટ ₹18 અને GST વસૂલવામાં આવશે, જ્યારે સરકારી બસોના ચાર્જિંગ માટે પ્રતિ યુનિટ ₹16 અને GST નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ખાનગી વાહનોને ચાર્જ કરવા વપરાયેલ વીજળીના પ્રતિ યુનિટ દીઠ બસ ઓપરેટરે જનમાર્ગ અને AMTSને ₹2 ચૂકવવા પડશે.

ચારેય ઝોનમાં 81 સ્થળોએ બનશે સ્ટેશન

મનપા દ્વારા બ્રિજ નીચેની જગ્યા, મલ્ટીલેવલ પાર્કિંગ, મ્યુનિ. પ્લોટ્સ, સબ ઝોનલ કચેરી, AMTS-BRTS ટર્મિનસ સહિત 81 સ્થળોએ PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) ધોરણે 5 વર્ષની લીઝ પર સ્ટેશનો અપાશે.ફેઝ-1 (2026-27): AMTS-BRTS ડેપો, પબ્લિક પાર્કિંગ પ્લોટ્સ અને મ્યુનિ. બિલ્ડિંગો ખાતે ફાસ્ટ ઈવી ચાર્જિંગ સુવિધા ડેવલપ કરાશે.ફેઝ-2 (2028-29): મોલ, હોસ્પિટલ, રહેણાંક હાઉસિંગ સોસાયટી અને નવા બાંધકામો સુધી ચાર્જિંગ સ્ટેશનનો વિસ્તાર થશે.ફેઝ-3 (2030-31): આખા શહેરમાં સ્માર્ટ ચાર્જિંગ, રિન્યુએબલ એનર્જી અને હેવી ડ્યુટી સેગમેન્ટની કામગીરી હાથ ધરાશે.

કયા ઝોનમાં ક્યાં ઊભા થશે મુખ્ય ચાર્જિંગ સ્ટેશન?

મધ્ય ઝોન: દાણાપીઠ મ્યુનિ. મુખ્ય કચેરી, રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ, ખાડિયા પોલીસ સ્ટેશન પાસે, જમાલપુર સેન્ટ્રલ વર્કશોપ, દુધેશ્વર વોટર વર્ક્સ નજીક.પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોન: નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ, ગુજરાત કોલેજ બ્રિજ પાસે, પાલડી મ્યુઝિયમ પાસે, સોલા રોડ, નારણપુરા, થલતેજ, નવા વાડજ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, રાણીપ સબ ઝોન ઓફિસ, ચીમનભાઈ ઓવરબ્રિજ પાસે, વિસત-ગાંધીનગર હાઈવે પાસે.પૂર્વ અને દક્ષિણ ઝોન: નિકોલમાં મનમોહન ચાર રસ્તા, શેલ્બી હોસ્પિટલ પાસે, વસ્ત્રાલ, કાંકરિયા તળાવ પરિસર, મણિનગર અને અસલાલી.દક્ષિણ-પશ્ચિમ ઝોન: મકરબા, એસ.જી. હાઈવે, બોપલ અને શેલા સહિત નવા બનતા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં પણ પાર્કિંગ ક્ષમતા મુજબ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 27 November Top News: સંસદ સત્રને લઈ કોંગ્રેસ રણનીતિ નક્કી કરશે, TMCના ચૂંટણી ચિહ્ન મુદ્દે સુનાવણી