આજના આધુનિક યુગમાં ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ટેકનોલોજીની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે તંત્રના સ્માર્ટ કેમેરા 'ઓવર-સ્માર્ટ' બની જાય, ત્યારે સામાન્ય પ્રજાએ કેવી હાલાકી ભોગવવી પડે છે તેનું જીવંત ઉદાહરણ તાપી જિલ્લામાંથી સામે આવ્યું છે. સુરતના ઉમરપાડા ત્રણ રસ્તા પર કાર્યરત 'નેત્રમ' પ્રોજેક્ટના કેમેરા અને આખી સિસ્ટમ પર હવે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. સવાલ એ થાય કે શું હવે 'નેત્રમ'ના નેત્રોને પણ મોતિયો લાગી ગયો છે કે પછી ઓપરેટરની આંખે મરચાં ભરાયા છે?
બાઇક ચાલકને મળી કારના કાચની ભેટ!
બનાવની વિગત એવી છે કે, વ્યારા વિસ્તારના એક નિર્દોષ બાઇક ચાલકને ટ્રાફિક પોલીસનો ઈ-મેમો ઘરના સરનામે મોકલવામાં આવ્યો હતો. મેમો જોતા જ ચાલકની આંખો ફાટી ગઈ કારણ કે તેમાં વાહન પર કારના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવ્યાનો દંડ ફટકારવામાં આવ્યો હતો!


