તાપી જિલ્લામાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ પ્રાકૃતિક અને જંગલી શાકભાજીની માંગમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. તાપીના વ્યારા એપીએમસી (APMC) ખાતે તાજેતરમાં ચોમાસા દરમિયાન જંગલો અને ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી રીતે ઊગી નીકળતાં દેશી મશરૂમ, જેને સ્થાનિક આદિવાસી ભાષામાં 'અળમી' કહેવામાં આવે છે, તેની હરાજી દરમિયાન ભાવ આસમાને પહોંચી ગયા હતા.

વ્યારા APMC માં દેશી મશરૂમનો ભાવ આસમાને

વ્યારા એપીએમસીમાં 1 મણ (20 કિલો) દેશી અળમીનો ભાવ રેકોર્ડબ્રેક ₹53,000 બોલાયો હતો. પ્રતિ કિલોના હિસાબે ગણતરી કરીએ તો આ દેશી મશરૂમ રૂ. 2,650 પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. આટલી ઊંચી કિંમતે વેચાણ થતાં જ વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય સાથે ચર્ચા જાગી છે. તાપી જિલ્લાના આદિવાસી અને ગ્રામીણ સમાજમાં અળમી માત્ર ખોરાક નથી પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ઔષધીય વનસ્પતિ માનવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભેજવાળા વાતાવરણ વચ્ચે જંગલની જમીનમાંથી આપોઆપ ફૂટી નીકળતી અળમી પ્રોટીનથી ભરપૂર હોય છે.

સીતાડોળીના ફૂલની પણ ભારે બોલબાલા

સ્થાનિક માન્યતા મુજબ, ચોમાસામાં અળમીનું શાક બનાવીને ખાવાથી શરીરને રોગપ્રતિકારક શક્તિ મળે છે અને અનેક શારીરિક ફાયદા થાય છે. અળમીની સાથોસાથ આ દિવસોમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 'સીતાડોળીના ફૂલ' પણ ખૂબ જ લોકપ્રિય બને છે. તેની પણ શાક તરીકે ભારે માંગ રહે છે. સ્વાદ અને પૌષ્ટિક ગુણોના કારણે ચોમાસામાં આ કુદરતી શાકભાજી મેળવવા માટે લોકો ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર થાય છે.

આ પણ વાંચો: Rajkot: દારૂ શોધી કાઢવા માટે PCB પોલીસને એક-એક ડબ્બો ખોલવામાં કલાકો સુધી ઉઠાવવી પડી જહેમ