દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં ખાદ્યપદાર્થોમાં ગુણવત્તા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વહીવટી તંત્ર અને ફૂડ વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી મેગા ડ્રાઇવથી ભારે ખળભળાટ મચી ગયો છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત આગેવાની હેઠળ ચાલેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ નાસ્તા હાઉસ, હોટલો અને ખાદ્યસામગ્રીનું વેચાણ કરતા વેપારીઓના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી
તપાસ દરમિયાન આરોગ્ય સાથે ચેડાં કરતા અને સ્વચ્છતાનો અભાવ ધરાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્યપદાર્થો તૈયાર કરતા વિવિધ દુકાનદારોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક વેપારીઓ દ્વારા ઘરવપરાશના રાંધણ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે કમર્શિયલ ઉપયોગ થતો હોવાનું ધ્યાન પર આવતાં અધિકારીઓએ લાલ આંખ કરી હતી અને કાયદેસરના પગલાં ભર્યા હતા.
