ગુજરાતના લોકપ્રિય કથાકાર મોરારી બાપુએ વધુ એક વખત સનાતનની ટીકા કરનારાને આડે હાથ લીધા છે. દેશ અને વિદેશમાં કથાકાર મોરારી બાપુની રામકથાને લઈને આયોજન કરવામાં આવતા હોય છે. હાલમાં આર્જેન્ટીનામાં રામકથા કરતી વખતે ફરી એક વખત મોરારી બાપુએ સનાતન ધર્મની નિંદા કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર પ્રહાર કર્યા છે. રામકથા કરતી વખતે તેમણે સ્વામિનારાય સંપ્રદાયના સંતો પર કટાક્ષ કરતાં કહ્યું કે હવે મારે સનાતન ધર્મ પર કથા કરવી છે.


આર્જેન્ટીનામાં રામકથા દરમિયાન મોરારી બાપુએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મ પર અનેક પ્રહારો થઇ રહ્યાં છે. સનાતન ધર્મની નિંદા કરનારા સામે હવે કડક વલણ અપનાવવનો સમય આવી ગયો છે. સનાતનને લઈને હું દિલ્હીમાં રજૂઆત કરીશ. આ બાબતે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે રજૂઆત કરીશ પણ ચોક્કસપણે દિલ્હી જઈ રજૂઆત કરીશ જ તેવું નથી કહી રહ્યો. ઉપરાંત તેમણે સનાતનમાં વિશ્વાસ રાખતા લોકોને સ્પષ્ટ સૂચન કર્યું કે સનાતન ધર્મના લોકોએ આપણે પાંચ દેવની પૂજા કરવી જોઈએ. ગણપતિ દાદા, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, માતા પાર્વતી અને તેમના વિવિધ સ્વરૂપ અને પ્રત્યક્ષ કહેવાતા દેવ ભગવાન સૂર્યની આપણે વિશેષ કરીને પૂજા કરવી જોઈએ.

આર્જેન્ટીનામાં મોરારી બાપુની રામકથા

વધુમાં તેમણે કહ્યું કે ગણપતિ કે જે વિવેક અને વિનયના દેવતા છે, વિષ્ણુ ભગવાન કે જે બ્રહ્માંડના કર્તાહર્તા માનવામાં આવે છે અને ભગવાન શંકર કે જેમની પૂજા કરવાથી મૃત્યુનો ભય પણ દૂર થાય છે, તેમજ શક્તિસ્વરૂપા માતા પાર્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સનાતન ધર્મના આ તમામ દેવદેવીતાની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે જ્યારે પ્રત્યક્ષ કહેવાતા દેવ ભગવાન સૂર્યની ખાસ પૂજા કરવી તેવું સૂચન કર્યું હતું. સનાતન ધર્મના લોકોએ આ પાંચે દેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. જે લોકો આ પાંચ દેવોમાંથી કોઈ એક દેવની પણ નિંદા કરે તે સનાતની નથી. જે તેમને સાથ આપે તે પણ સનાતની નથી. ભગવદ ગીતામાં પણ સનાતન શબ્દનો ઉલ્લેખ છે. અર્જૂન ભગવાન કૃષ્ણને કહે છે કે તમે દેવકી પુત્ર નહીં પરંતુ સનાનત પુરુષ છો. આમ સનાતન એ એક શબ્દ નથી પણ સમગ્ર હિંદુ સમાજ છે.

મોરારી બાપુનું વિવાદીત નિવેદન

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મોરારી બાપુ સનાતન ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય અને ધર્માંતરણને લઈને વિવાદીત નિવેદનો આપેલા છે. વર્ષ 2019માં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ વર્ણી પર કરેલા નિવેદનને લઈને હરીભક્તો અને સંતોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે વધુ હોબાળો મચ્યા બાદ સનાતનના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના આગેવાન સંતોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. મોરારી બાપુએ કહ્યું હતું કે નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય. કોઈપણ સંપ્રદાય પોતાના મંદિરોમાં નીલકંઠનો અભિષેક કરાવવાથી તે શિવ બની જતા નથી. કારણ કે શિવ બનવા ઝેર પીવું પડે અને જેમણે ઝેર પીધું હોય તેને જ નીલકંઠ કહેવાય છે. જેણે લાડુડીઓ ખાધી હોય તેને નીલકંઠ ના કહેવાય.

  • Follow us on: