ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે શુક્રવારે સાંજે બે ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં કોઈ અગમ્ય બાબતને લઇને ગામના બે સમાજના ટોળા આવી જતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે, જ્યારે બે લોકોને વધુ ઈજા પહોચતાં તેમને અમદાવાદ સારવાર અર્થેખસેડાયા છે. આ સમગ્ર મામલે ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેમાં 20 સામે નામજોગ અને 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનામાં પથ્થરમારો થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને નડિયાદ ગ્રામ્ય પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સલુણ ગામના વિશાલ મકવાણાએ નોધાવેલી ફરિયાદમાં સાંજના સમયે સલુણ બસ સ્ટેન્ડ પાસે આવેલ સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો. જેમાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો બોલી હતી અને જ્ઞાતિસૂચક શબ્દો બોલી 15 જેટલા માણસોનો ટોળું ધસી આવ્યું હતું. આ ટોળાએ લાકડાના દંડા, ઈંટો અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે વિશાલ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત છૂટો પથ્થરમારો પણ કર્યો હતો. આ બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આથી આ બનાવ મામલે વિશાલ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.













