ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. લગભગ મોટાભાગની સંસ્થાઓમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્યના મુખ્ય બે રાજકીય પક્ષોમાં સંગઠનની કામગીરી હજી અધૂરી છે. ભાજપમાં મહિલા મોરચા સહિત અનેક સેલમાં નિમણૂકો બાકી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સિવાય લગભગ તમામ પ્રકારની નિમણૂંકો હજુ અટવાયેલી છે. બંને પક્ષો ટૂંક સમયમાં સંગઠનની કામગીરી પૂર્ણ કરવાની વાતો કરે છે.એક પક્ષ કહે છે કે ચર્ચા ચાલી રહી છે, બીજો પક્ષ કહે છે કે પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કાર્યકરોને તો બસ એક જ રાહ છે નિમણૂક ક્યારે આવશે?

ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે

ગુજરાતના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજાને સંગઠનને લઈને સલાહો આપે છે. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે બંને પક્ષો પોતાનું જ સંગઠન પૂર્ણ કરવામાં વ્યસ્ત થયા છે. ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને તેમની ટીમ જાહેર થઈ ચૂકી છે. મોરચાના પ્રમુખોની નિમણૂક પણ થઈ ગઈ છે, પરંતુ મહિલા મોરચા સહિત અનેક સેલ, પ્રકોષ્ઠ અને ડિપાર્ટમેન્ટમાં હજુ હોદ્દેદારોની નિમણૂક બાકી છે. ભાજપનું કહેવું છે કે પાર્ટીમાં દરેક નિર્ણય ચર્ચા-વિચારણા અને સર્વાનુમતે લેવાય છે. રાજકીય ભાષામાં કહીએ તો ખુરશીઓ ઘણી છે પરંતુ તેના માટેના ચહેરાઓ નક્કી કરવામાં હજુ મંથન ચાલી રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી

ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું હતું કે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે નિમણૂકો અટકી હતી અને હવે ભાજપના નેતૃત્વની ચર્ચાઓ બાદ તેની તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. સંગઠન હવે વધુ વિસ્તર્યું છે અને અનેક પ્રકોષ્ઠો વ્યવસાયિક તથા પ્રોફેશનલ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી યોગ્ય વ્યક્તિની પસંદગી માટે સમય લાગી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની સ્થિતિ પણ કંઈ બહુ અલગ નથી. કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા, તાલુકા અને શહેરની બોડીઓ જાહેર કરી દીધી છે. પરંતુ પ્રદેશ સ્તરે હજુ અનેક નિમણૂકો બાકી છે. 

જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો

કોંગ્રેસનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો અને હવે પ્રભારી સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં બાકી રહેલી નિમણૂકો પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસનો સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા અને તાલુકામાં તબક્કા વાર સંગઠનની નિમણૂકો થઈ રહી છે. જ્યાં નિમણૂકો બાકી છે ત્યાં પણ તબક્કાવાર કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Plastic Currency India:હવે આવશે પ્લાસ્ટિકની નોટો? જે ના ફાટશે, ના પાણીમાં બગડશે