ખિસ્સામાં રાખેલી ચલણી નોટ પાણીમાં પલળી જવાનો કે ફાટી જવાનો ડર હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની શકે છે. ભારતમાં પણ હવે વિશ્વના અન્ય દેશોની જેમ 'પ્લાસ્ટિક' એટલે કે પોલિમરના કરન્સી નોટો લાવવા પર ગંભીરતાથી વિચારણા શરૂ કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે આ પ્રકારની મજબૂત નોટો લાવવાનો પ્રસ્તાવ હાલમાં કેન્દ્રીય બેંક સમક્ષ વિચારણા હેઠળ છે. જો કે, આ યોજના અત્યારે તેના પ્રારંભિક તબક્કામાં છે.


RBI ના ગવર્નરનું શું કહેવું છે?

હાલમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે પોલિમરથી બનેલી નોટો લાવવાનો પ્રસ્તાવ કેન્દ્રીય બેંક સમક્ષ રજૂ કરાયો છે અને હાલમાં આ વિચાર તદ્દન પ્રાથમિક તબક્કામાં છે. આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને આરબીઆઈ તમામ પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. આ અંગે યોગ્ય નિર્ણય લેવાયા બાદ સત્તાવાર માહિતી શેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ફેબ્રુઆરી 2014માં પણ સરકારે 10 રૂપિયાની 1 અબજ પોલિમર નોટોનું કોચ્ચિ, મૈસૂર, જયપુર, શિમલા અને ભુવનેશ્વર જેવા પાંચ શહેરોમાં ટ્રાયલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તકનીકી અને ઓપરેશનલ સમસ્યાઓને કારણે તે પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો.

આ નોટો કયા મટિરિયલમાંથી બને છે?

જે નોટોની ચર્ચા થઈ રહી છે તેને ટેકનિકલ ભાષામાં 'પોલિમર નોટ' કહેવામાં આવે છે. આ નોટો કપાસ અને લિનનથી બનતા સામાન્ય કાગળના બદલે એક વિશેષ પ્રકારની પાતળી અને ફ્લેક્સિબલ પ્લાસ્ટિક ફિલ્મથી બનાવવામાં આવે છે. આ નોટો થોડી લીસી હોય છે અને તેને બનાવવામાં BOPP એટલે કે બાયએક્સિલી ઓરિએન્ટેડ પોલીપ્રોપાઈલિન (Polypropylene) નો ઉપયોગ થાય છે. આ મટિરિયલ સામાન્ય કેરી બેગ કે પીવીસી પ્લાસ્ટિક જેવું નથી હોતું, જેથી તે ખિસ્સાની ગરમી કે તડકાથી પીગળતું કે સંકોચાતું નથી.

આ ખાસ ફિલ્મ પર શાહી બરાબર ચોંટી રહે તે માટે ખાસ પ્રકારનું કોટિંગ કરવામાં આવે છે. વિશ્વમાં સૌથી પહેલા પોલિમર નોટોની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ અને સિંગાપોર જેવા દેશોએ પણ આ ટેકનોલોજી અપનાવી છે અને હવે ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.


આ  પણ વાંચો:Lawrence Bishnoi:અમેરિકા-કેનેડામાં બિશ્નોઈ ગેંગનો આતંક,4 વર્ષમાં 20 કેસ

  • Follow us on: