ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સિંહાસનો બદલાયા છે. ભાજપ હાઈકમાન્ડે આપેલા અણધાર્યા આંચકા વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પંચરત્નોની તાજપોશી કરી દીધી છે. નામો જાહેર થતાં જ કાર્યકરોમાં ક્યાંક ઉત્સાહનો ઉભરો તો ક્યાંક ગમગીનીનો ગરબો ગવાયો.


સત્તા સંભાળતા જ નેતાજીઓએ પહેલું શું કર્યું

પરંતુ, અસલી ખેલ તો પદગ્રહણના પહેલા જ દિવસે જોવા મળ્યો. ખુરશી મળતાની સાથે જ માનનીય પદાધિકારીઓના બદલાયેલા તેવર, ગણતરીની મિનિટોમાં હવામાં ઓગળી ગયેલા આદર્શો, ભાવુકતાના પૂર અને વિપક્ષની મીઠી કાતર જેવો નજારો જોવા મળ્યો છે. આવો જોઈએ ગુજરાતના આ 'ખુરશી મંગલમ્' અહેવાલમાં કે સત્તા સંભાળતા જ નેતાજીઓએ પહેલું શું પરાક્રમ કર્યું!

વડોદરામાં એક કલાકમાં જ ગ્રીન ગ્લોબલ'થી સરકારી સગવડની સવારી

વડોદરા કોર્પોરેશનમાં સત્તાના શ્રીગણેશ એવા ડ્રામેટિક અંદાજમાં થયા કે હોલીવુડની ફિલ્મ પણ ઝાંખી પડે. સવારે જ્યારે નવા નિમણૂક પામેલા મેયર ગીતાબેન મકવાણા અને ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ પાલિકાની કચેરીએ આવ્યા, ત્યારે મીડિયાના કેમેરા અંજાઈ ગયા. પાંચ-પાંચ નગરસેવકો એક જ ઈવી કારમાં કાર પૂલિંગ કરીને આવ્યા હતા!

પર્યાવરણ અને દેશભક્તિનો ઓવરડોઝ

મીડિયાના માઈક સામે મેયર ગીતાબેને ગર્વથી છાતી ફુલાવીને નિવેદન આપ્યું કે વડાપ્રધાન મોદીજીની અપીલ માત્ર ઇંધણ બચાવવા પૂરતી નથી, પર્યાવરણ બચાવવા માટે પણ છે. એટલે જ અમે કાર પૂલિંગ કરીને આવ્યા છીએ! ટૂંક સમયમાં પાલિકામાં ઈવી વાહનો ખરીદવા અંગે પોલિસી બનાવીશું." ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પણ સૂર પુરાવ્યો કે, "ઇંધણ બચાવવું એ આપણી નૈતિક ફરજ છે, જનતાએ પણ ઈવી વાહનો વાપરવા જોઈએ."

સત્તા આવતા જ તેવર બદલાયા

પરંતુ, આ પર્યાવરણ પ્રેમ અને ઇંધણ બચાવવાની નૈતિક ફરજનો આયુષ્યકાળ માત્ર એક કલાકનો જ નીવડ્યો! જેવી પદગ્રહણની વિધિ પતી અને ખુરશી પર કબ્જો મળ્યો, એટલે માનનીય મેયર અને ડેપ્યુટી મેયરના તેવર' અને ફ્લેવર બંને બદલાઈ ગયા. કચેરીની બહાર નીકળતી વખતે, બંને મહાનુભાવો આવ્યા હતા એ 'કાર પૂલિંગ' વાળી ગાડી ભૂલી ગયા અને પાલિકાએ ફાળવેલી શાનદાર સરકારી લક્ઝરી કારમાં એકલા-એકલા ગોઠવાઈને રવાના થઈ ગયા! જે દેશભક્તિ અને ઈંધણ બચાવવાની વાતો એક કલાક પહેલાં થતી હતી, તે સરકારી ગાડીના એસીના ઠંડા પવનમાં ઓગળી ગઈ. જ્યારે ડેપ્યુટી મેયરને પૂછવામાં આવ્યું કે આ શું? ત્યારે સત્તાના નશામાં ચૂર થઈને કહી દીધું કે અન્ય પાલિકાના હોદ્દેદારો સરકારી કાર લે છે કે કેમ એ એમનો વિષય છે, બાકી ઇંધણનો વિનયપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.એટલે કે, ઉપદેશ જનતા માટે, અને સરકારી કાર નેતા માટે!

રાજકોટના મેયર નેહલ શુક્લ ચાર દાયકાના સંબંધોનું પુનરાવર્તન

રાજકોટમાં ભાજપે મોટો દાવ ખેલીને ડો. નેહલ શુક્લને મેયર પદની કમાન સોંપી છે. ડો. નેહલ શુક્લે પદ સંભાળતાની સાથે જ રાજકોટના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાન તરફ દોડી ગયા હતા. મેયર બનતા જ ડો. નેહલ શુક્લ વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યા અને ત્યાં સ્વ. વિજયભાઈની તસ્વીર સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. અંજલીબેન રૂપાણીએ નવા મેયરના કપાળે વિજય તિલક કર્યું અને પીઠ પર શાબાશીનો થાપો માર્યો.

રાજકોટમાં મેયરને ખવડાવી મેલોડી'ચોકલેટી

રાજકોટના નવા મેયર ડો. નેહલ શુક્લ હજુ તો અભિનંદન ઝીલવામાં વ્યસ્ત હતા, ત્યાં જ કોંગ્રેસે બહુ જ અનોખી અને વ્યાંગાત્મક રીતે તેમનું સ્વાગત કર્યું. કોંગ્રેસના નેતા રણજીત મુંધવા અને મહિલા કોર્પોરેટર દીપ્તિ સોલંકી સહિતના નેતાઓનું એક આખું ટોળું ભાજપના વિજયી માહોલ વચ્ચે ઘૂસી ગયું. કોંગ્રેસી નેતાઓએ પહેલા તો લાઈનમાં ઉભા રહીને નવા મેયરને ખૂબ જ વિનમ્રતાથી અભિનંદન આપ્યા અને પછી ખિસ્સામાંથી કાઢીને મેલોડી ચોકલેટ મોઢામાં ધરી દીધી!

મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ?

રાજકીય વર્તુળોમાં આ ચોકલેટ ફેક્ટરે ભારે હાસ્ય જન્માવ્યું છે. કોંગ્રેસે વ્યાંગાત્મક રીતે સંદેશ આપ્યો હોઇ શકે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ઇટલીના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ ઇટાલીયન પીએમ મેલોનીને મેલોડી ગીફ્ટ આપી હતી. ત્યારબાદ મેલોડી ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

સ્વપ્નેય નહોતું વિચાર્યુંપણ આવતા જ કાતર ફેરવી

રાજકોટ મનપાના નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા સત્તાના સિંહાસને બેસતા જ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે દિલ ખોલીને સ્વીકાર્યું કે, મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે પક્ષ મને આટલી મોટી જવાબદારી આપશે. જો કે, સપનામાંથી જાગતાની સાથે જ ચેરમેન સાહેબે એક્શન મોડ પકડી લીધો છે. નવા મેયર નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેને સંયુક્ત સૂરમાં જાહેરાત કરી દીધી છે કે કોર્પોરેશનમાં થતા પેટ્રોલ-ડીઝલના ખર્ચમાં તાત્કાલિક ધોરણે 70% નો તોતિંગ ઘટાડો કરવામાં આવશે.

 વડોદરાના સ્થાયી સમિતિ ચેરમેન વર્ષા વ્યાસની આંખમાં લાગણીશીલ આંસુ

વડોદરામાં સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસના નામની જાહેરાત થતાં જ તેઓ મીડિયા સમક્ષ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. 1997થી ભાજપમાં સામાન્ય કાર્યકર તરીકે તેઓ હતા અને આજે સર્વોચ્ચ પદ મળ્યું ત્યારે સ્ત્રી સહજ લાગણીઓ રોકી શકાઈ નહીં. તેમણે કહ્યું કે મારા પોતાના વોર્ડમાં પણ પૂરના પાણી ભરાતા હતા, મેં એ પીડા ભોગવી છે.

એક જ કલાકમાં આદર્શો બદલી નાખવાની કળા

ગુજરાતના આ નવનિયુક્ત પદાધિકારીઓની પ્રથમ દિવસની લીલાઓ જોયા પછી જનતા એટલું જ કહી રહી છે કે, નેતાઓ ભલે વચનોના પૂર લાવે કે આંખમાંથી આંસુના પૂર લાવે, પણ એક જ કલાકમાં આદર્શો બદલી નાખવાની કળા માત્ર રાજકારણીઓ પાસે જ હોઈ શકે! હવે જોવાનું એ રહે છે કે આ નવી ટીમો કાગળ પરના વચનો પૂરા કરે છે કે પછી સરકારી ગાડીઓના એસીના ધુમાડામાં આગામી અઢી વર્ષ કાપી નાખે છે!


આ પણ વાંચો-----     Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive

  • Follow us on: