ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પાલિકા અને પંચાયત સહિત મહાનગર પાલિકાની ચૂંટણીઓની જાહેરાતને લઈને મોટી જાણકારી સામે આવી છે. દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સહિત પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ઉમરેઠ બેઠક પર ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આગામી 30મી માર્ચે ફાઈનલ મતદાર યાદી જાહેર થશે. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં ચૂંટણી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ
ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. તેઓ આગામી 31મી માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં હોવાની માહિતી મળી છે. આ દરમિયાન રાજ્યમાં 30મી માર્ચે ફાઈનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ અંગે આદેશ પણ આપી દીધા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લેશે ત્યાર બાદ એપ્રિલ મહિનામાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.













