ઉત્તર ગુજરાતના સહકારી અને રાજકીય ગઢ ગણાતા મહેસાણા જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. પક્ષના જ વરિષ્ઠ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિરૂદ્ધ બેફામ વાણીવિલાસ કરનાર સ્થાનિક નેતા ચંદ્રકાંત પટેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ નિવેદનો બદલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાઠવવામાં આવેલી શિસ્તભંગની નોટિસને ચંદ્રકાંત પટેલ ઘોળીને પી ગયા છે. નોટિસનો ખુલાસો આપવા માટે નક્કી કરાયેલી 3 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, તેમણે હજુ સુધી સંગઠનને કોઈ સત્તાવાર જવાબ કે સ્પષ્ટતા આપી નથી.

શું હતો સમગ્ર ઓડિયો વિવાદ?

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં ચંદ્રકાંત પટેલની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં તેઓ ભારે અહંકાર સાથે એવું બોલતા સંભળાય છે કે, "આપણે નીતિન પટેલને રાજકારણમાંથી પતાવી દીધા છે." ભાજપના કદાવર નેતા વિશે પક્ષના જ હોદ્દેદારે આવો બફાટ કરતાં મામલો છેક ગાંધીનગર કમલમ સુધી પહોંચ્યો હતો. ભાજપ પ્રદેશ નેતાગીરીએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ સ્થાનિક સંગઠનને કડક પગલાં લેવા આદેશ કર્યો હતો, જેના ભાગરૂપે આ નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી.

ચૂંટણીમાં ગદ્દારી કર્યાના પણ લાગ્યા આરોપ

ચંદ્રકાંત પટેલ પર માત્ર નિવેદનબાજી જ નહીં, પરંતુ પક્ષના સત્તાવાર ઉમેદવારોની પીઠમાં છરો ભોંકવાના પણ ગંભીર આરોપો લાગ્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વર્ષાબેન મુકુંદભાઈ પટેલ અને બલોલ જિલ્લા પંચાયત બેઠક પરના ભાજપના મહિલા ઉમેદવાર ગીતાબેન વિષ્ણુભાઈ ચૌધરી વિરૂદ્ધ જઈને ચંદ્રકાંત પટેલે પડદા પાછળ વિરોધ પક્ષના ઉમેદવારોને ખુલ્લેઆમ મદદ કરી હોવાના પુરાવા પક્ષને મળ્યા છે.

મહેસાણા ભાજપ કાર્યાલયમાં ભારે ગરમાવો

હવે જ્યારે 3 દિવસ વીતવા છતાં ચંદ્રકાંત પટેલે નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી, ત્યારે મહેસાણા ભાજપ કાર્યાલયમાં ભારે ગરમાવો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જિલ્લા પ્રમુખ હવે નમતું જોખવાના મૂડમાં નથી. આગામી 24 કલાકમાં ચંદ્રકાંત પટેલ પાસે કાં તો રાજીનામું માગી લેવામાં આવશે અથવા શિસ્ત સમિતિ દ્વારા તેમને પક્ષમાંથી સીધા સસ્પેન્ડ (નિલંબિત) કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: Amreli: ગીરમાં સિંહના મોતથી વન વિભાગના સર્વોચ્ચ અધિકારીઓ દોડી આવ્યા, વનતારા ટીમ પણ તપાસમાં જોતરાઈ