એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર સરહદે સિંહના મોતની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે અને વન્યજીવોની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ ન કરવાના મૂડમાં છે. સિંહના મોત બાદ સમગ્ર ગીર અને અમરેલીના રેન્જ વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે. વન વિભાગના સર્વોચ્ચ અધિકારી PCCF (પીસીસીએફ) પોતે કોઈપણ કચેરીમાં બેસવાને બદલે સીધા જ જંગલ અને રેવન્યુ વિસ્તારના ફિલ્ડમાં તપાસ માટે ઉતરી પડ્યા છે.

પીપાવાવ અને ભેરાઈ કોસ્ટલ બેલ્ટમાં સઘન સર્ચ

સિંહોના વસવાટવાળા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા હેઠળ આવતા પીપાવાવ પોર્ટ આસપાસના વિસ્તારો તેમજ ભેરાઈ પંથકમાં વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. સિંહો જે વિસ્તારોમાં અવારનવાર અવરજવર કરે છે તેવા રેવન્યુ કેમ્પ અને સ્થાનિક સ્થળો પર અધિકારીઓ જાતે જઈને ગતિવિધિઓ ચકાસી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ગીર જંગલ અને બોર્ડરના વિસ્તારોમાં મોનિટરિંગ અત્યંત સખત કરી દેવામાં આવ્યું છે.

જસાધાર કેર સેન્ટરમાં વનતારાની ટીમ તૈનાત

આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જામનગરના પ્રખ્યાત વન્યજીવ પુનર્વસન કેન્દ્ર 'વનતારા' (Vantara) ની મેડિકલ અને એક્સપર્ટ ટીમ ખાસ કટોકટીના ભાગરૂપે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી ગઈ છે. આ ટીમ સ્થાનિક વન વિભાગના વેટરનરી ડોક્ટરો સાથે મળીને સિંહોમાં કોઈ રોગચાળો છે કે કેમ અથવા અન્ય કોઈ શંકાસ્પદ કારણોસર મોત થયું છે તેની તબીબી તપાસ કરી રહી છે. તમામ રેન્જના ફોરેસ્ટ સ્ટાફ અને સિંહોના રખેવાળ ગણાતા ટ્રેકર્સને ચોવીસે કલાક હાઈએલર્ટ પર રહેવા આદેશ કરાયા છે જેથી સિંહોની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય.

આ પણ વાંચો: Modasa: ઉત્તર અને મધ્ય ગુજરાતના સરહદી પંથકોમાં મેઘરાજાનું આગમન, વહેલી સવારથી વરસાદી માહોલ