ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન એક્ટિવીટીની આગાહી અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી બાદ હવે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. બંને જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં સમગ્ર પંથક ઠંડકગાર બની ગયો છે.
અરવલ્લીના માલપુરમાં વહેલી સવારથી વરસાદ
અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય, શામળાજી, વાસેરાકંપા, ઇસરોલ અને જીવણપુર વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યા બાદ આજે વાતાવરણમાં વધુ પલટો આવ્યો છે. જિલ્લાના માલપુર પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વહેલી સવારના વરસાદને પગલે નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
