રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે ભારે તોફાની રહ્યું છે. બોર્ડની બેઠક શરૂ થતાં જ પાણી વિતરણની સમસ્યા, કથિત ભ્રષ્ટાચાર અને પક્ષપાતના મુદ્દે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. સામાન્ય સભામાં અશિસ્ત અને હોબાળો એટલો વધી ગયો હતો કે સભા અધ્યક્ષ અને મેયર નેહલ શુક્લાએ કડક વલણ અપનાવીને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોને ગૃહની બહાર કાઢવાનો આદેશ આપવો પડ્યો હતો.


ભાજપના કોર્પોરેટરે જ સવાલ ઉઠાવ્યા

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે શાસક પક્ષ ભાજપના જ વોર્ડ નંબર ૧11 ના નગરસેવક મહેશ પીપળીયાએ પોતાની જ સરકાર સામે પાણી વિતરણ વ્યવસ્થામાં ખામી, પાણી ચોરી અને ગેરરીતિના ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું કે, "ગરીબોના ટેનામેન્ટમાં પાણી મળતું નથી અને બહુમાળી ઇમારતોમાં ભરપૂર પાણી જાય છે. જરૂરિયાત કરતાં વધુ પાણી વિતરણ પાછળ મોટી ગેરરીતિની આશંકા છે અને જવાબદારોને પકડી પાડવા જોઈએ."

કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના આ આંતરિક અવાજની સાથે જ વિપક્ષી મહિલા કોર્પોરેટરો દીપ્તિબેન સોલંકી અને રસીલાબેન ગેરૈયાએ જંગલેશ્વર વિસ્તારના પ્રશ્નો અને મનપાના 28 લાખના ખાણીપીણીના ખર્ચ મુદ્દે સવાલો ઉઠાવી વેલ સુધી દોડી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે બોર્ડમાં ભેદભાવ રાખીને વિપક્ષના સવાલો લેવામાં આવતા નથી. 

મહિલા નગરસેવકો અને મહિલા માર્શલો વચ્ચે ઉગ્ર ઝપાઝપી

હોબાળો વધતાં મેયરે મહિલા માર્શલ બોલાવ્યા હતા. આ દરમિયાન મહિલા નગરસેવકો અને મહિલા માર્શલો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. બંને કોર્પોરેટરોને બળપૂર્વક બહાર કાઢવાની તૈયારીઓ વચ્ચે વિપક્ષના અન્ય નેતાઓએ ગૃહમાં શાંતિ અને શિસ્ત જાળવવાની ખાતરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. આ હંગામાને પગલે રાજકોટનું રાજકારણ ગરમાયું છે. 


આ પણ વાંચો----     Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ

  • Follow us on: