ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી 2026 અંતર્ગત આજે થઈ રહેલા મતદાનમાં ઓડ ખાતેના મતદાન મથકો પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાઇન જોવા મળી હતી, જેમાં યુવા પેઢીથી માંડીને શતાયુ એ પહોંચેલા વડીલોએ પણ મતદાન કરી લોકશાહી પર્વમાં પોતાની ફરજ નિભાવી હતી.
અન્ય યુવાનોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા
આજના મતદાનમાં ઘણા ફર્સ્ટ ટાઈમ વોટર્સ કે જેઓ પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા હતા તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જે પૈકી ઓડ ખાતે 20 વર્ષીય દિવ્યા પટેલ દ્વારા પ્રથમ વખત મતદાન (ફર્સ્ટ ટાઇમ વોટર) કરી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવવામાં આવી હતી. યુવા મતદાર દિવ્યાએ અન્ય યુવાનોને પણ અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને મતદાન કર્યા બાદ લોકશાહીને જીવંત રાખવામાં પોતાનો મત પણ કિમતી છે તેમ જણાવ્યું હતું.
લલિતાબેન દરજીએ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કર્યું
બીજી તરફ, શારીરિક અશક્તતા હોવા છતાં મક્કમ મનોબળનું ઉદાહરણ પૂરું પાડતા ઓડના જ 70 વર્ષીય જનકભાઈ દરજી વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા. પગમાં તકલીફ હોવાને કારણે ચાલવામાં અશક્ત હોવા છતાં તેમણે મતદાન કરી સાબિત કર્યું કે દેશની લોકશાહીને જીવંત રાખવા પ્રત્યેની ફરજ સર્વોપરી છે. તેમણે મતદાનને ખુબજ મહત્વની ફરજ અને અમૂલ્ય અધિકાર ગણાવ્યો હતો. આ સાથે જ, ઓડ ખાતે 93 વર્ષીય વયોવૃદ્ધ મહિલા મતદાર લલિતાબેન દરજીએ પણ પોતાની ત્રણ પેઢી સાથે મતદાન કર્યું હતું. તેઓ પોતાની પુત્રવધુ સ્મિતાબેન અને પૌત્ર કિર્તન સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમના મતદાન પ્રત્યેના ઉત્સાહને જોઈને હાજર રહેલા અન્ય મતદારો પણ પ્રેરિત થયા હતા.
આમ, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે યુવા મતદારો અને વડીલ મતદારોના મતદાન કરવાના ઉત્સાહ લોકશાહીના આ પાવન પર્વને સફળ બનાવ્યો છે અને સમગ્ર ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કરવું તે દરેક મતદારની ફરજ છે તેવો જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો છે.
આ પણ વાંચો : Umreth by election 2026: 33 બુથ પર CAPF ફોર્સ તૈનાત, વેબકાસ્ટિંગથી સતત વોચ રખાઈ રહી છે